
નાનાકલોદરાની હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને સન્માનિત કરાયાનાનાકલોદરાની હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને સન્માનિત કરાયા.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 05/03/2024- ફળિયાના લોકોની હાજરીમાં સન્માન મળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છલકાઇ.
આજના મોબાઈલ, ટેકનોલોજી અને ધમાલિયા જીવન વચ્ચે દરેક માતા પિતા પોતાના બાળકના અભ્યાસને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. મોંઘવારીના અસહ્ય મારના કારણે પોતે બે છેડા ભેગા કરવા માટે બાળક પાછળ સમય કાઢી શકતો નથી ત્યારે જો શિક્ષક બાળક માટે માતા-પિતા બની તેને હંમેશા પ્રોત્સાહિત કરે તો વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરવા પ્રેરાય છે. ખંભાત તાલુકાના નાના કલોદરાની બાલમંદિર થી ધોરણ 10 ની શાળા શ્રી ચંચલ દીપ વિદ્યાવિહાર માં બાળકોની ખામીઓની જગ્યાએ તેની ખૂબીને નિહાળી, તેની ટીકા કરવાની જગ્યાએ તેને ટેકો આપીને હંમેશા આગળ વધવા માટે શાળાના આચાર્ય તથા શિક્ષકો ખૂબ મહેનત કરે છે. દર માસમાં જે વિદ્યાર્થીઓનું વર્ગમાં શિક્ષણ, શિસ્ત, પ્રામાણિકતા ,સમાજ સેવા વગેરે બાબતોમાં શ્રેષ્ઠ કાર્ય હોય તે વિદ્યાર્થીને સ્ટાર એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે .અને તેમાંય જો કોઈ વિદ્યાર્થી તેને ભણાવતા તમામ શિક્ષકો દ્વારા જે તે માસમાં સ્ટાર વિદ્યાર્થી તરીકે પસંદ થાય તો તે વિદ્યાર્થી જે ગામમાંથી આવતો હોય તે ગામમાં જઈને તેના ફળિયાના લોકોની હાજરીમાં તેના માતા પિતાને સાથે રાખીને તેને સ્ટાર આપીને સન્માનવામાં આવે છે. તાજેતરમાં શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા વત્રા ગામના સુજલ ભદ્રેશભાઈ પટેલને શાળા છૂટ્યા બાદ શિક્ષકો દ્વારા તેના ઘરે જઈને બધાની હાજરીમાં સ્ટાર એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. આ જ રીતે કચ્છીના ટેકરાએથી આવતી સિનિયર કેજીમાં અભ્યાસ કરતી બાળા વર્ષા અને ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળા રૈનાને તેના ઘરે જઈને ફળિયાના લોકોની હાજરીમાં શિક્ષકો દ્વારા સ્ટાર આપીને સન્માનિત કર્યા હતા. ફળિયાના લોકોની હાજરીમાં સ્ટાર મળતા વિદ્યાર્થીઓના તથા તેમના માતા-પિતાના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી હતી. પોતાના બાળકને આગળ લાવવા માટે શિક્ષકો દ્વારા તેમના ઘરે આવીને પોતાના બાળકને સન્માનતા માતા પિતાએ શિક્ષકોનો
ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.








