ઝારોલા હાઇસ્કુલમાં પહેલા દિવસે પ્રાર્થના પ્રભાત સાથે નવા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો.

ઝારોલા હાઇસ્કુલમાં પહેલા દિવસે પ્રાર્થના પ્રભાત સાથે નવા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો.
તાહિર મેમણ : આણંદ – 13/06/2024- 35 દિવસના ઉનાળા વેકેશન બાદ આજથી શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ જીવનલક્ષી વિકાસ માટે સતત પ્રયત્ન કરતી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઇસ્કુલ માં આજે સવારે 95 ટકા વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રાર્થના પ્રભાત સાથે વાતાવરણ ધર્મપ્રિય બન્યું હતું. ધોરણ એક થી બાર ના ચાર શિક્ષિકા બહેનો અને એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ સુંદર મજાના ભજનો સાથે પ્રાર્થના પ્રભાતનો કાર્યક્રમ દીપાવ્યો હતો. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દીપીકા ડાભીએ સુરીલા અવાજ સાથે ભજન રજૂ કરી સૌને મોહી લીધા હતા. આ પ્રસંગે શાળામાં નવા દાખલ થયેલ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા પ્રાથમિક વિભાગના ભૂલકાઓને શાળામાં ચાલતા બ્યુટી પાર્લરના વોકેશનલ ટ્રેડના ખૂબ જ ઉત્સાહિ શિક્ષિકા અર્પિતાબેન પંચાલે પેન્સિલ આપી સત્કાર્યા હતા. શાળાના સેવિકા બહેન શ્રીમતી રંજનબેન બ્રહ્મભટ્ટ દ્વારા વેકેશન બાદ પ્રથમ દિવસે શાળામાં આવેલા શિક્ષકો કે જેમના દ્વારા વિદ્યાર્થીઓનું સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કર્ષ થવાનું છે તેમનું કુમકુમ તિલકથી સ્વાગત થયું હતું. શિક્ષિકા પિંકલબેન અને સેજલબેને નવા દાખલ થયેલા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી નવી શાળાના, નવા વાતાવરણની અંદર સત્કાર કરી દૂધમાં સાકર ભળે તે રીતે શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે તેમને જોડ્યા હતા. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે તેમજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલે શાળામાં દાખલ થયેલા તમામ નવા વિદ્યાર્થીઓ ની સાથે જુના વિદ્યાર્થીઓને આવકાર્યા હતા, પ્રાર્થના રજૂ કરેલ તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા, પ્રસુતિની રજા પર જઈ રહેલ અંગ્રેજી વિષયના શિક્ષિકા એમ. એસ. વોહરાને તમામ શિક્ષકોએ સારી તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવી હતી. ધોરણ 10 12 સામાન્ય પ્રવાહ તથા 12 વિજ્ઞાન પ્રવાહનું ખૂબ મહેનત થકી શ્રેષ્ઠ રીઝલ્ટ લાવવા બદલ તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે શાળાના ઉત્કૃષ્ટ પરિણામ ને કારણે આ શાળામાં અત્યાર સુધી સત્તર ગામમાંથી વિદ્યાર્થીઓ આવતા હતા તેની જગ્યાએ ચાલુ વર્ષે દૂર દૂર ના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના થઈને કુલ 27 ગામના વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પ્રવેશ મેળવેલ છે.