
નાંદોદ તાલુકાના જીતનગર સ્થિત નર્સિંગ કોલેજ ખાતે ”વિશ્વ હિપેટાઈટીસ દિવસ”ની ઉજવણી કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૮મી જુલાઇનાં રોજ હિપેટાઇટિસ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘વિશ્વ હિપેટાઇટિસ દિવસ’ મનાવવામાં આવે છે, જે ચેપી રોગોનાં જૂથ હેપેટાઇટિસ A, B, C, D અને E તરીકે ઓળખાય છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ આ બીમારી વિશે, તેનું નિદાન કેવી રીતે કરવું? અને તેને કેવી રીતે અટકાવી શકાય તેના વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં ”વિશ્વ હિપેટાઈટીસ દિવસ”ની ઉજવણીના ભાગરુપે “એક જીવન એક લીવર” થીમ હેઠ્ળ ૨૧ થી ૨૮ જુલાઈ સુધી સમગ્ર સપ્તાહ દરમ્યાન હિપેટાઈટીસ અંગે જન જાગ્રુતિ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૨૭મી જુલાઈ, ૨૦૨૩ને ગુરૂવારના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકના માર્ગદર્શન અને જિલ્લા ક્ષય અધિકારી ડો.ઝંખનાબેન વસાવાની રાહબરીમાં નાંદોદ તાલુકા હેલ્થ ઓફીસર ડો.એ.કે.સુમનની ઉપસ્થિતિમાં GNM/ANM કોલેજ-જીતનગરના ઇન્ચાર્જ આચાર્ય અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-સુંદરપુરાના સંયુક્ત ઉપક્રમે નર્સિંગ કોલેજ-જીતનગર ખાતે ”વિશ્વ હિપેટાઈટીસ દિવસ”ની ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજની ૮૦થી વધુ વિદ્યાર્થિનીઓએ અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે ડ્રામા રોલ, ચાર્ટ એક્ટિવિટી, ગ્રુપ એક્ટિવિટીમાં ભાગ લઈને લોકોમાં હિપેટાઈટીસ અંગે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






