
કાચો પુલ કાર્યરત બનતા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીમાં રાહત
શહેરાવ ઘાટથી તિલકવાડા જવા માટે નર્મદા નદી પરના કાચા પુલને મળેલી સૈદ્ધાંતિક મંજૂરી બાદ નિર્માણ પામેલા પુલનો ભાવિકો લાભ લઈ રહ્યા છે
કામચલાઉ ધોરણે પાઈપો મૂકી સ્થાનિકો દ્વારા કાચો પુલ બનાવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની જરૂરી ચકાસણી કરી મંજૂરી અપાતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પંચકોશીય પરિક્રમા અર્થે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. જૂદા જૂદા વિસ્તારોમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાભાવ સાથે નદીમાં સ્નાન કરી પરિક્રમા પૂર્ણ કરી શકે તેવા ઉમદા ભાવ સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ ચાલીને નર્મદા નદી પાર કરી શકે તેવા ભાવ સાથે જિલ્લા સંગઠન અને સ્થાનિક આગેવાનો દ્વારા હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવા માટે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરતા જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યની સંવેદનશીલ સરકારએ હકારાત્મક પ્રતિસાદ આપતા નદી ઉપર સ્વખર્ચે હંગામી બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ત્યારબાદ સ્થાનિકોએ કાચા પુલનું નિર્માણ કરતા તેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી ચકાસણી કરી તેના પરથી નક્કી કરાયેલી સંખ્યામાં તબક્કાવાર પુલ પરથી શ્રદ્ધાળુઓ પસાર થઈ શકે તેવી રીતે મંજૂરી આપતા પંશકોષી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓનો પુલ નિર્માણ થતા સુખદ અંત આવ્યો છે. પુલ શરૂ થવાના કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી નર્મદા નદી પાર કરી પરિક્રમા પથ ઉપર આગળ વધી લાભ લઈ રહ્યાં છે સાથે સરકાર પ્રત્યે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં એક મહિના સુધી ચાલતી ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન ખાસ કરીને જાહેર રજાઓ, રવિવાર તેમજ તહેવારના દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પરિક્રમા અર્થે આવતા હોય છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર હંમેશાં ખડેપગે રહી પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત કાળજી લઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. રજાના દિવસોમાં આવતા વધુ શ્રદ્ધાળુઓને પહોંચી વળવા હોડીઓ તેમજ કાચા પુલની જરૂરિયાતને ધ્યાને લઈ કાચો પુલ બનાવી તેને હવે શરૂ કરી દેવાતાં અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કોઈ તકલીફ નહીં પડે. સાથે હાડીની પણ પુરતી વ્યવસ્થા શહેરાવ અને રેંગણ ઘાટ ખાતે કરવામાં આવી છે. તેનાથી જિલ્લાની જનતા અને ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
*જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ખડેપગે કામગીરી કરી માનવતાની મહેંક પ્રસરાવી રહ્યું છે*
અહીં પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અમારી આંખો સામે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સતત સંકલન સાધી રાઉન્ડ-ધી-ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરાવ અને રેંગણ ઘાટ ખાતે તેમજ શ્રી રામજી મંદિર ખાતે આરોગ્ય વિભાગની ટીમ ફરજ બજાવી ભાવિકો માટે મદદરૂપ બની રહી છે. સાથે સાથે સેવાભાવિ લોકો ચા, નાસ્તો, ભોજન, ફૂડપેકેટ, લીંબુ શરબત, છાસ વિતરણ કરીને ભાવિકો માટે નિઃસ્વાર્થ મદદ કરી પુણ્ય કમાઈ રહ્યા છે. સાથોસાથ પોલીસ વિભાગ દ્વારા પણ પુરતો બંદોબસ્ત ગોઠવી ભાવિકોને કોઈ અગવડતા ન સર્જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ સતત નદીમાં પેટ્રોલિંગ સાથે બંને ઘાટ ખાતે પોઈન્ટ ઉભા કરી સુરક્ષાની સલામતીની ચાંપતી નજર રાખી રહ્યા છે અને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. લાઈફ જેકેટની પુરતી ઉપલબ્ધિ રાખવામાં આવી છે. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. માં નર્મદાની કૃપાથી સર્વ વિધ્નો સરળતાથી પાર પડ્યા છે અને કોઈ જાનહાનીની ઘટના બનવા પામી નથી