
મસુરીના આઈ.એ.એસ. તાલીમાર્થીઓનો નર્મદા જિલ્લામાં આદિજાતિ જીવનશૈલી સંદર્ભે શૈક્ષણિક પ્રવાસ સંપન્ન
હસ્તશિલ્પ કલા અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિ વારસો ધરાવતા આદિજાતિના ઉત્કર્ષ માટે સરકારની અનેકવિધ યોજનાઓ આશિર્વાદ સમાન : મસુરીના આઈ.એ.એસ. તાલીમાર્થીઓ
ટ્રેઈની આઈ.એ.એસ. સાથે બ્રિફિંગ સેશન યોજીને ઉત્સાહપૂર્વક કામગીરી કરવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે આવેલા લબાસના, મસુરીના ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની અધિકારીશ્રીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામમાં વસવાટ કરતા આદિજાતિ સમાજની જીવન જીવવાની ઉત્તમ શૈલીથી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે ટ્રેઈની આઈ.એ.એસ. અમીત ઉદિંરવાડે એ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, આદિજાતી સમાજની જીવનશૈલી અનોખી અને સાંસ્કૃતિક વારસો અતિ સમૃધ્ધ છે, અમે ગ્રામજનો સાથે સંવાદ કર્યો ત્યારે તેમના પ્રેમાળ સ્વભાવ અને સ્વભાવમાં સાદગીથી અમે ખુબ પ્રભાવિત થયા છીએ. અહીંના ગ્રામજનોના પાકા મકાનના સ્વપ્ન સાકાર થયા છે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય માટે સહાય, પાણી-વીજળીની સુવિધા સહિતની માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે જે ખુબ આવકાર દાયક છે.
આદિવાસીઓ પોતાની આગવી ઓળખ, ખાન-પાન, રહેણીકરણી, રીતરિવાજો ધરાવે છે, સ્વભાવે ભોળી પ્રકૃતિ પ્રેમી આદિવાસી પ્રજાના પ્રેમાળ સ્વભાવથી પ્રભાવિત થતી મસુરીની આઈ.એ.એસ. ટ્રેઈની પુજા ખેડકરે જણાવ્યું કે, અહીંની કલા અને સંસ્કૃતિ સમૃધ્ધ છે, શિક્ષણ અને આરોગ્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે, બાળ અને માતા મૃત્યુદરનું નહિંવત પ્રમાણ અને જેન્ડર રેશિયાનું પ્રમાણ ખુબ સરાહનીય છે.
આંગણવાડી કેન્દ્ર ખાતે પણ બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓને પુરુ પાડવામાં આવતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યું છે, અંતરિયાળ વિસ્તાર હોવા છતા એનિમિયા રોગને નિયંત્રિત કરવા માટે ચાલી રહેલા કાર્યક્રમો સરકારની સફળતાને ચિન્હિત કરે છે. આયુષ્માન ભારત કાર્ડ થકી ગ્રામજનો આર્થિક અને માનસિક રીતે નિશ્ચિંત થયા છે. ઉપરાંત સરકારની અનેકવિધ યોજનાઓનો અમલ ખુબ સરસ રીતે થયો છે જેના ફળો છેવાડાના લોકો પણ ચાખી રહ્યાં છે તેમ ખેડકરે ઉમેર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વ ટ્રેઈની અધિકારીઓએ આદિજાતિ જીવનશૈલીથી પરિચિત થવા માટે ગામના સરપંચ, સભ્યો, ગ્રામજનો, સરકારની યોજનાકીય સાધન-સહાય મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ટ્રેઈનીઓએ આંગણવાડી અને શાળાના બાળકો સાથે યાદગાર ક્ષણો વ્યતિત કર્યા હતા. ઉપરાંત ગામમાં ઉપલબ્ધ મૂળભૂત અને માળખાગત સુવિધાઓની સ્થળ મુલાકાત કરીને માહિતગાર થયા હતા.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ સર્વ આઈ.એ.એસ. ટ્રેઈની સાથે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મુલાકાત કરીને જિલ્લાના પર્યટન, આરોગ્ય, શિક્ષણ, આદિજાતિ ઉત્કર્ષ, રોજગાર લક્ષી તાલીમ, સરકારના ઝુંબેશ, મહિલા ઉત્કર્ષ માટેના પ્રયાસો સહિત સરકારના અનેકવિધ કાર્યક્રમો થકી કેવી રીતે લોકોના જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય તે સંદર્ભે માર્ગદર્શિત કરીને શુભેચ્છા પાઠવી હતી.






