એકતાનગર ખાતે વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર નર્મદા બંધ નિહાળી અભિભૂત થતા વિવિધ દેશોના ડેલીગેટ્સ*

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
રિપોર્ટ – અનીશ ખાન બલુચી
*G20-એકતાનગર*
———-
*એકતાનગર ખાતે વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર નર્મદા બંધ નિહાળી અભિભૂત થતા વિવિધ દેશોના ડેલીગેટ્સ*
———-
*વોકલ ફોર લોકલના સૂત્રને ચરિતાર્થ કરતા એકતા મોલ, ડેમ ટોપ પરથી મા નર્મદા, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી અનહદ ખૂશી વ્યક્ત કરતા ડેલિગેટ્સ*

રાજપીપલા, મંગળવાર :- વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં ચાલી રહેલી G20 સમિટમાં દેશ-વિદેશના ડેલીગેટ્સ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. આ બિઝનેસ સમિટમાં ભાગ લેવા ઉપસ્થિત રહેલા વિદેશી ડેલિગેટ્સને વિવિધ પ્રવાસન પ્રકલ્પોની મુલાકાત કરાવવામાં આવી હતી.
એકતાનગર ખાતે સેમિનાર-પ્રેસ કોન્ફરન્સ બાદ વિદેશી મહેમાનોએ વોકલ ફોર લોકલના સૂત્રને ચરિતાર્થ કરીને ભારતીય હાઠવણાટની ચીજ-વસ્તુઓને પ્રોત્સાહિત કરતા એકતામોલની મુલાકાત કરી હતી. ત્યારબાદ સૌ ડેલીગેટ્સ ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની મુલાકાતે પહોંચ્યા હતા. નર્મદા ડેમનો નજારો નિહાળી ડેલિગેટ્સ અત્યંત પ્રભાવિત થયા હતા. ડેમસાઇટ પરથી ડેલીગેટ્સને મા નર્મદાના દર્શન કરવાનો લ્હાવો સહિત સાતપુડા-વિંધ્યાચલની ગિરીમાળા, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલની વનરાજી અને સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ભવ્ય દર્શન કર્યા હતા.
વિદેશી ડેલીગેટ્સ માટે એક અદભુત, અવિશ્વસનીય, અકલ્પનીય, વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નજીકથી નિહાળવાનો લ્હાવો મળ્યો હતો. વિદેશી મહેમાનો પ્રતિમાને પ્રથમ નજરે જોતાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી અભિભૂત થયા હતા. તદ્દઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળી મહાનુભાવોએ યાદગીરી રૂપે સમૂહ તસવીર પણ ખેંચાવી હતી.
વિદેશના ડેલીગેટ્સ માટે ટેન્ટ સીટી-૨ ખાતે ભારતીય સંસ્કૃતિની ઝલક સાથે ગુજરાતની ઝાંખી દર્શાવતી વિવિધ કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને મહેમાનોએ નિહાળી ‘શ્રી અન્ન’ ભારતીય પરંપરાગત મિલેટ્સ માંથી બનાવેલી વાનગીઓનો આસ્વાદ માણી ભારતીય સંસ્કૃતિના દર્શન કર્યા હતા.






