NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ૪.૧૬ લાખ મતદારો ૬૧૬ મતદાન મથકો ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે

નર્મદા જિલ્લામાં ૪.૧૬ લાખ મતદારો ૬૧૬ મતદાન મથકો ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે

 

હિટવેવ એકશન પ્લાન અંતર્ગત છાયડો, પાણી, બેઠક, આરોગ્યલક્ષી સુવિધા મતદારોને ઉપલબ્ધ, ગરમીને ધ્યાને રાખી વહેલા મતદાન કરવા જિલ્લા કલેકટર ની અપીલ

 

દેડિયાપાડાના ઝરણાવાડી ગામે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મથક અને એકતાનગર ખાતે જંગલ સફારીની થીમ આધારિત મથદાન મથક આકર્ષણનું કેન્દ્ર

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આવતી કાલે નર્મદા જિલ્લામાં ભરૂચ અને છોટા ઉદેપુર બેઠક માટે મતદાન થવાનું છે, ત્યારે આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અંગે માહિતી આપતા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાઇ તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની સ્થિતિને સ્થિતિને ધ્યાને રાખીને સવારના સમયે જ નાગરિકો મતદાન કરી લે એ માટે પણ અપીલ છે. આ ઉપરાંત હિટવેટ સામે ઓરઆરએસ, પાણી-છાંયડો, આરોગ્ય કાર્યકરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

સમુહ માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચિતમાં તેવતિયાએ કહ્યું કે, ભરૂચ બેઠક માટે ૧૩ અને છોટા ઉદેપુર બેઠક માટે ૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગત્ત એપ્રિલ માસની સ્થિતિએ ૪.૬૧ લાખ મતદારો નોંધાયા છે. તેમાંથી ૧૫૪૩૬ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. દેડિયાપાડા અને નાંદોદ બેઠકમાં કુલ મળી ૬૧૬ મતદાન મથકો છે. તેમાંથી ૧૩૩ ક્રિટિકલ મથકો છે. ૩૦૯ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ૨૪ શેડો એરિયાના મથકમાં વોકીટોકીની સુવિધા રાખવામાં આવી છે.

ચૂંટણી સર્વસમાવેશક બની રહે તે માટે દિવ્યાંગ અને ૮૫ વર્ષથી ઉપરના મતદારોને હોમ વોટિંગની સુવિધા આપવામાં આવી છે. મતદાન મથકો માટે ૧૧૪ વ્હિલચેર આપવામાં આવી છે. એસઓયુ તંત્ર દ્વારા પણ વ્હિલચેરની ફાળવણી કરવામાં આવી છે. દ્રષ્ટિહિન મતદારો માટે ૭૭૩ બ્રેઇલ વોટર ગાઇડનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

ગ્રિષ્મ ઋતુના કારણે ગરમીના પ્રકોપથી બચવા સાથે મતદાન કરવાની અપીલ કરતા શ્વેતા તેવતિયાએ કહ્યું કે, મતદારો સવારના ભાગે જ મતદાન કરી લે ઇચ્છનીય છે. મતદારો સુતરાઉ કપડા પહેરે, પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરે, મતદાન કરવા આવે ત્યારે બાળકને સાથે ના લાવે તેવી સલાહ છે. એસ્યોર્ડ મિનિમમ ફેસેલિટીમાં મતદાન મથકો ઉપર મતદારો બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પીવાના પાણી, ઓઆરએસ સહિતની જરૂરી દવા સાથેની કિટ આપવામાં આવી છે. આરોગ્યકર્મીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. વીજ વિક્ષેપ ના થાય તેની તકેદારી રાખવા માટે પણ વીજ કંપનીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં બે વિશેષ પ્રકારના મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં દેડિયાપાડાના ઝરણાવાડી ગામે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મથક બનાવવામાં આવ્યું છે. જ્યારે, એકતાનગર ખાતે જંગલ સફારીની થીમ આધારિત મથદાન મથક બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સખી, યુવા, દિવ્યાંગ મથકો પણ બન્ને વિધાનસભા મતવિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.

 

ચૂંટણી કાર્ડ સહિત અન્ય માન્ય પુરાવા અંગે તેમણે કહ્યું કે, (૧) પાસપોર્ટ, (૨) ડ્રાઇવિંગ લાઇસન્સ, (૩) કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ, (૪) બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, (૫) પાનકાર્ડ, (૬) એન.પી.આર. હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, (૭) નરેગા જોબકાર્ડ, (૮) શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ, (૯) ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, (૧૦) સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ,(૧૧) આધાર કાર્ડનો સમાવેશ થાય છે. વોટર ઇન્ફર્મેશન સ્લીપ એ માન્ય પૂરાવો નથી. મતદાન મથક અંદર મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ છે. તેથી મોબાઇલમાં દર્શાવી શકાય એવા ડિઝીટલ પૂરાવા મતદાન કરવા માટે માન્ય ગણાશે નહીં.

 

કલેક્ટરશ્રીએ સપરિવાર મતદાન કરવા જવાનું આહ્વાન કરતા કહ્યું કે, નર્મદા જિલ્લામાં સરેરાશ મતદાનનું પ્રમાણ સારૂ છે. આ વખતે પણ નાગરિકો મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે અને નર્મદા જિલ્લાની પરંપરા જાળવી રાખશે, તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

 

જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ સુરક્ષા વ્યવસ્થાની મહત્વપૂર્ણ જાણકારી આપી હતી અને તમામ મતદાન મથકો ઉપર પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે, તેમ કહ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button