
આણંદ, સોમવાર :: ગુજરાત રાજ્ય પશુપાલન ખાતુ અને આણંદ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા સોજિત્રા સ્થિત ક્ષેમકલ્યાણી માતાજી મંદિરના પરિસરમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબીર યોજાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે પશુપાલકોના હિતનું ધ્યાન રાખીને સોજીત્રા અને તારાપુર ખાતે નવા પશુ દવાખાનાઓનું નિર્માણ કરવામાં આવનાર હોવાનું જણાવી પશુપાલકોને શિબિરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ શિબિરમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રદિપભાઈ પટેલે પશુપાલકોને પશુપાલનના વ્યવસાય થકી આત્મનિર્ભર બનવાની સાથે પશુપાલન કિશાન ક્રેડીટ-કાર્ડ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
આ શિબિરમાં પશુપાલન વિભાગના અધિકારીઓએ પશુપાલકોને યોજનાકીય માર્ગદર્શન આપ્યું હતું, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત મહેશભાઇ પટેલ અને અમીતભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે મહત્વનું એવું જીવામૃત કેવી રીતે બનાવવું તેનું પ્રેકટીકલ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના દંડકશ્રી રમેશભાઈ રાઠોડ, અગ્રણીશ્રી નંદાબેન સોલંકી, પશુપાલન વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.









