
શ્રી અંજુલાબેન પટેલ દ્વારા વિદાય પ્રસંગે શાળાના તમામ બાળકોને કંપાસની ભેટ
તા.૩/૪/૨૦૨૩
મોરડ
પેટલાદ તાલુકાની મોરડ પ્રા.શાળામાં ફરજ બજાવતા શ્રી અંજુલાબેન પટેલ દ્વારા પોતાની વિદાયને યાદ ગાર બનાવવા આજે ભગવાન શ્રી સ્વામિનારાયણના તારીખ પ્રમાણેના જન્મદિને અનોખું દાન કરવામાં આવ્યું.આમ તો પોતાના વિદાય પ્રસંગે લોકો સગા-સ્નેહીની પાર્ટી રાખતા હોય છે.પરંતુ શ્રી અંજુલાબેને પોતાના સાચા સગા સ્નેહી પોતાની શાળાના બાળકોને જ માન્યા.તેથી જ તેઓએ શાળાના 600 જેટલા બાળકોને સારામાં સારી કંપનીના કંપાસ ભેટ સ્વરૂપે આપ્યા.આ પ્રસંગે તેઓએ બાળકોના શુભ આશીર્વાદની કામના સેવી હતી.તેઓએ 21 વર્ષ સુધી શિક્ષક તરીકે પોતાની સફળ કારકિર્દી નિભાવી છે.તેઓએ હંમેશા બાળકને જ લક્ષ્યમાં રાખીને પોતાની ફરજ બજાવી છે.
પોતાના શિક્ષક તરીકેના આ સમયગાળામાં તેઓએ તથા તેમના પતિશ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા પોતાના વર્ગમાંના બાળકને જ્યારે જ્યારે પેન્સિલ,નોટબુક કે અન્ય સામગ્રીની જરૂર પડી છે ત્યારે ત્યારે પોતાના પદરના ખર્ચે તેઓએ વસ્તુ આપી છે.તેઓ હંમેશા કહે છે કે બાળક એ આપણી સાચી રોજી છે,એ રાજી તો પ્રભુ રાજી.શિક્ષક તરીકેનો તેઓનો આ છેલ્લો માસ છે,છતાં એક પણ મિનિટ ન બગડે તેનું તેઓ સતત અનુસંધાન રાખી રહ્યા છે.શાળા-પરિવાર પણ સહર્ષ સ્વીકારે છે કે બેનશ્રી હંમેશા બાળકમય રહ્યા છે,બાળકની નિયમિતતા,સ્વચ્છતા,વ્યક્તિગત ઘડતર,મૂલ્ય શિક્ષણ અને સાથે સાથે અનિવાર્ય શિક્ષણના લગભગ પાસા તેઓ પોતાના બાળકોમાં આત્મસાત થાય તેના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ આવા કર્મઠ અને સાચા અર્થમાં કર્મયોગી શિક્ષક છે.શ્રી અંજુલાબેન તથા શ્રી પ્રકાશભાઇ દ્વારા અત્રેની શાળામાં એમ્પલીફાયર-સ્પીકરનું પણ પ્રદાન કરવામાં આવેલ.તેઓ ગરીબ બાળકોને અનેક વખત મદદ કરી ચુક્યા છે.આવા ઉદાર અને સાચા અર્થમાં ગુરુ કહી શકાય તેવા શિક્ષકના વિદાયથી મોરડ પ્રા.શાળાને એક અનોખી ખોટ પડશે.જેઓને બાળક જ ઇષ્ટ છે,બાળક જ રોજી છે,બાળક જ સ્નેહી છે,બાળક જ સર્વસ્વ છે તેવા સંનિષ્ઠ શિક્ષક શ્રીની વિદાય તે અત્રેની શાળાને ન પુરી શકાય તેવી શાશ્વત ખોટ રહેશે તે સત્યતાને શાળા તથા ગામના સૌ કોઈ સ્વીકારી રહયા છે જે તેઓની કારકિર્દીની સફળતા અને સાચી પુંજી છે.









