
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગરનુ બહુ ચર્ચિત રામ તળાવ ફરી એક વખત આવ્યું ચર્ચામાં. ઉમરેઠ નગરપાલિકા દ્વારા લગભગ આઠેક વર્ષ પહેલા આ રામ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતુ. તળાવનાં આ બ્યુટીફિકેશન દરમ્યાન તળાવને ઉંડુ કરવું, વોકીંગ માટે પાથવે, વીજ પોલ, રંગ રોગાન સહિતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બ્યુટીફિકેશન દરમ્યાન રામતળાવની ફરતે પાથવે બનાવાયો હતો જેમાં પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં લોકસભાની ચૂંટણી અગાઉ આરોગ્ય મંત્રી દ્વારા વિકાસનાં કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું હતુ જેમાં રામતળાવની ફરતે નો પથવે કે જે પેવર બ્લોકનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો હતો તે પથવે માંથી પેવર બ્લોક કાઢીને ત્યાં સી.સી. કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખરેખર તો રામતળાવ ફરતે બનાવેલ આ પથવે નો ઉપયોગ નહિવત હોવાથી વણવપરાયેલ આ પથવેનાં પેવર બ્લોકને કોઈપણ જાતનો ઘસારો કે નુકશાન થયું ન હોય અને સારી સ્થિતિમાં હતા પરંતુ સાફ સફાઈ અને દેખરેખનો અભાવ જોવા મળ્યો જેના કારણે ઘાસ ઉગી નીકળ્યું હતું અને વરસાદી પાણી ના દબાવના કારણે લેવલ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ ઘસારા વિનાના નવા જ પેવર બ્લોકને ઉખાડીને સી.સી. રોડ બનાવવાની કામગીરી શરૂ થતાં નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે કે નગરના જરૂરિયાત સ્થળે વિકાસનો અભાવ છે તો વારંવાર રામતળાવમાં જ વિકાસ શોધીને સરકારી તિજોરીને નુકશાન કેમ.!?
અગાઉ રામ તળાવ અંદાજે દોઢ કરોડનાં ખર્ચે બ્યુટીફિકેશન પામેલા આ તળાવમાં પાણી ઓછું હોય છે તથા સાફ-સફાઈનાં અભાવે નગરજનો તળાવની સહેલગાહે જવાનું ટાળી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે અસામાજીક તત્વો માટે આ સલામત સ્થળ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. નગરપાલિકા દ્વારા નિયમિત રીતે સંભાળનાં અભાવને કારણે તળાવ ફરતે ઝાડી-ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નગરજનોની ચર્ચાનાં વિષય પ્રમાણે લાખોનાં ખર્ચે ફિટ કરાયેલા અને નહિવત વપરાયેલા સારી હાલતનાં પેવર બ્લોક કાઢીને સી.સી. રોડ બનાવવાનો ખર્ચ કરી સરકારી તિજોરીને નુકસાન કેમ થઈ રહ્યું છે.? પેવર બ્લોક ઉપર ઉગી નીકળેલું ઘાસ સાફ કરવામાં આવે તો સી.સી. રોડનાં ખર્ચ કરતા ખૂબજ નજીવી કિંમતમાં સારું કામ થઈ શકે તેમ છતાં પેવર બ્લોક કાઢીને સી.સી. રોડ બનાવવાનો મોટો ખર્ચ શા માટે કરવામાં આવી રહ્યો છે.? સરકારી યોજનાનાં નામે થઈ રહેલા નાણાંનો વ્યય અટકવો જરૂરી છે. જાગૃત નાગરિકોનાં મત મુજબ આ સી.સી રોડનાં નાણાનો સદ્દઉપયોગ કરી તળાવની અંદર કરાયેલ રબલ પેચ વર્કને સમારકામની જરૂરીયાત દેખાઈ રહી હોવાથી તે કરવું જોઈએ. આ ઉપરાંત પથવે ની બાજુમાં બનાવવામાં આવેલ શૌચાલયની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે. નગરજનોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ અગાઉ બ્યુટીફિકેશન પામેલા આ રામ તળાવને સાફ-સફાઈ અને સમારકામની જરૂરિયાત છે તો સત્તાધીશોને પથવેનાં ઘસારા વિનાના પેવર બ્લોક ઉખાડીને સી.સી કામ કરાવવામાં કેમ આટલો બધો રસ છે.!?









