આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ૧૨,૬૦૦ ઉપરાંત કર્મચારીઓ સહભાગી બનશે
તાહિર મેમણ – 29/03/2024- આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. જે અન્વયે ૭ મી મેના રોજ મતદાન થશે. આણંદ જિલ્લામાં લોકસભાની આ સામાન્ય ચૂંટણીની સાથે ૧૦૮ – ખંભાત વિધાનસભાની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે.
આણંદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરીયાત મુજબના ૧૨,૬૨૧ જેટલા અધિકારી – કર્મચારીઓની લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટેના નિમણૂંક હુકમો કરવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નિમણૂક કરવામાં આવેલ આ અધિકારી – કર્મચારીઓમાં આસિસ્ટન્ટ રીટનિંગ ઓફિસર, ઝોનલ સેક્ટર ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ સેક્ટર ઓફિસર, માઈક્રો ઓબઝવૅર, ટેકનિકલ સ્ટાફ ઇલેક્શન ડ્યુટી, બુથ લેવલ ઓફિસર, ડિસ્પેચ એન્ડ રીસીવિંગ સ્ટાફ ઓફિસર, રૂટ સુપરવાઇઝર, એમ.સી.સી. ઓફિસરની સાથે એફ.એસ.ટી. ટીમ, એસ.એસ.ટી. ટીમ, યુવા ટીમ જેવી ટીમોની રચના કરીને તેમાં જરૂરીયાત મુજબના અધિકારી –કર્મચારીઓની નિમણૂંકો કરવામાં આવી છે.








