“મિશન લાઇફ” અંતર્ગત આણંદ જિલ્લામાં યોજાયા પર્યાવરણ જાગૃતિનાં અનેકવિધ કાર્યક્રમ

આણંદ, શનિવાર :: “હું પ્રતિજ્ઞા કરું છું કે પર્યાવરણને બચાવવા માટે હું મારા રોજિંદા જીવનમાં દરેક સંભવિત ફેરફાર લાવીશ. હું એ પણ વચન આપું છું કે મારા પરિવાર મિત્રો અને અન્ય લોકોને પર્યાવરણને અનુકૂળ તેવો અને વર્તનના મહત્વ વિશે નિરંતર પ્રેરિત કરીશ.” – આજના ગ્લોબલ વોર્મિગના સમયમાં લોકોને પર્યાવરણન જતન-સંવર્ધન સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલ “મિશન લાઇફ” ચળવળમાં લોકો આ પ્રતિજ્ઞા લઈને જોડાઇ રહ્યા છે.
વડાપ્રધાનશ્રીના પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના સંકલ્પને “મિશન લાઇફ” ના માધ્યમથી સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા “મિશન લાઇફ” નો સંદેશ અને તેની અગત્યતાને જનમાનસ સુધી લઈ જવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા ભારતના આઝાદીના ૭૫માં વર્ષમાં શરૂ કરવામાં આવેલ “મિશન લાઇફ” ને ત્રણ તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં “મિશન લાઇફ” નો પ્રથમ તબક્કો માંગમાં બદલાવ, વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓને તેમના રોજિંદા જીવનમાં સરળ પર્યાવરણલક્ષી દૈનિક કાર્યો કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે ૭૫ વ્યકિતગત દૈનિક ક્રિયાઓને ૭ વર્ગોમાં વિભાજિત કરીને એક વિસ્તૃત યાદી બનાવવામાં આવી છે. આ સાત વર્ગોમાં ઉર્જાની બચત કરવી, પાણીનો બચાવ કરવો, સિગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ અપનાવવી, કચરાનો નિકાલ કરવો કે સ્વચ્છતાનું ધ્યાન રાખવું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને ઇ-વેસ્ટ ઘટાડવાનો સમાવેશ થાય છે.
સમગ્ર રાજ્યમાં “મિશન લાઇફ” હેઠળ આ વર્ષે તા. ૫ મી મે થી તા. ૫ જૂન સુધી પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટેના વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના સામાજિક વનિકરણ વિભાગે જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ સ્થળોએ જઈને અનેકવિધ કાર્યક્રમો કરી લોકોમાં “મિશન લાઇફ” અંગેની જાગરૂકતા ફેલાવવાની સાથે પર્યારવરણના જતન માટેનું માર્ગદર્શન પુરૂ પાડ્યુ છે.
આણંદ જિલ્લાના સામાજિક વનિકરણ વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાયકલ રેલીનું આયોજન કરવાની સાથે જિલ્લાની ૮ શાળાઓ તથા અન્ય ૨૧ સ્થળોએ લોકભાગીદારી-લોકસહકારથી વૃક્ષારોપણનું કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતું. વનિકરણ વિભાગ દ્વારા આણંદ, બોરસદ અને ખંભાત તાલુકામાં એક-એક કિસાન શિબિર યોજીને પ્રત્યેક શિબિરમાં ૭૫-૭૫ કલમી રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. વનકવચ કાર્યક્રમ હેઠળ પીપળોઇ ખાતે ૧૦૦ જ્યારે વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિસદ રોડ પર ૫૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યુ છે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨ સાઇટ્સ ખાતે ૨૦ હજાર મેન્ગ્રુવના છોડનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.
સામાજિક વનિકરણ વિભાગ દ્વારા કરવામાં પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમમાં “મિશન લાઇફ” હેઠળ પર્યાવરણમિત્ર બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. લોકોને જરૂર ન હોય તો પેટ્રોલ ડિઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ ટાળીને પ્રદૂષણમુક્ત વાહનવ્યવ્હાર અપનાવવા, ઉપયોગમાં ન હોય ત્યારે એસી, હીટર, માઈક્રોવેવ, મિક્સર, લાઇટ જેવા સાધનો તેને બંધ કરવા અને ઊર્જાની બચત કરવી, પાણીનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું, કૃત્રિમ અને કેમિકલ યુક્ત દવાઓનો ઉપયોગ ટાળવો જેથી જમીનની ફળદ્રુપતાનો નાશ ન થાય, સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડકટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું, વાંસની બોટલો અને કાચની બોટલો તેમજ પેપર સ્ટ્રોક અને કાપડની થેલીઓનો ઉપયોગ કરવો, કટલરી માટે પ્રકૃતિ આધારિત ઉત્પાદનો જેમકે પાટલા, લાકડાની ચમચી જેવા સાધનોનો ઉપયોગ કરવો, ઔષધીય વનસ્પતિ છોડને ઉગાડવા તથા ઉછેરવા માટે પ્રાધાન્ય આપવું, વૃક્ષોની પૂજા કરવાની ભારતીય સંસ્કૃતિનો મહત્તમ પ્રસાર કરવો તથા વિવિધ તહેવારોની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે પર્યાવરણમિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવો, બ્યુરો ઓફ એનર્જિ એફિશીયન્સી દ્વારા રેટેડ ફાઇવસ્ટાર ઉત્પાદન ખરીદવું, જેવા મૂદ્દાઓ સમજાવી અને તે વિશે લોકોને જાગરૂક કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ વન વિભાગ દ્વારા દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને “મિશન લાઇફ” ની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આજે ભારતના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી “લાઇફ- પર્યાવરણ માટેની જીવનશૈલી” “(LiFE- Lifestyle for Environment)” ની વૈશ્વિક સામુહિક ચળવળ ને એક કેમ્પેઇન તરીકે આગળ ધપાવી સમગ્ર ભારતમાં પર્યાવરણીય જીવનશૈલી અપનાવી વડાપ્રધાનશ્રીના LiFEના સંકલ્પરથને ગુજરાત સૌથી અગ્રસર રહીને આગળ વધાવી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ, ૫ મી જૂન પૂર્વે આપણી પણ જવાબદારી બને છે કે આપણે સૌ વડાપ્રધાનશ્રીના “મિશન લાઇફ” સંકલ્પરથમાં જોડાઈએ અને હમેશા પર્યાવરણમિત્ર જીવનશૈલીને પ્રધાન્ય આપી “મિશન લાઇફ” ની પ્રતિજ્ઞા લઈ તેને જીવનમાં ઊતારીને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનના કાર્યની આપણી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ..









