
જિલ્લાના ૪૩૦ તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી
૪ લાખથી વધુ ઘરો અને ૧૨ લાખથી વધુ પાત્રો તપાસવામાં આવ્યા
આણંદ, શનિવાર :: આણંદ જિલ્લા મેલેરિયા અધિકારીની એક યાદીમાં જણાવ્યા મુજબ, લોકોમાં મેલેરિયા પ્રત્યે જાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જુન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનને શોધી તેને નાબુદ કરવા તેમજ સઘન સર્વેલન્સ દ્વારા મેલેરિયા પોઝિટિવ કેસ શોધી તેને સારવાર આપવામા આવે તો ચોમાસામાં મેલેરિયા રોગને નિયંત્રિત કરી શકાય તે હેતુથી આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જીલ્લામાં હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ પોરાનાશક માછલી મુકવાની અને આરોગ્ય શિક્ષણ માટેની કામગીરી કરવામાં આવી હતી, જે અંતર્ગત જુન માસ દરમિયાન ૪,૦૭,૩૭૦ ઘરો અને ૧૨,૩૬,૩૨૫ પાત્રો તપાસવામાં આવતા ૪,૬૮૨ ઘરો અને ૪,૭૯૪ પાત્રોમાં પોરા જોવા મળ્યા હતા, જે પૈકી ૮૪,૬૫૩ પાત્રોમાં દવા નાખવામાં આવી છે તથા ૬,૮૩૪ પાત્રોનો નાશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જરૂર જણાય તે ઘરોમાં ફોગીંગ, લોકોને વ્યક્તિગત આરોગ્ય શિક્ષણ, શળાઓમાં બાળકોને આરોગ્ય શિક્ષણ, બેનર–પોસ્ટર-પત્રિકાઓ-સોશિયલ મીડિયા થકી પ્રચાર-પ્રસાર તેમજ લોહીના નમુના ચેક કરવામાં આવ્યા છે. વધુમાં જીલ્લાના ૪૩૦ તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી છે. જે આવનાર ચોમાસાની ઋતુમાં મચ્છર નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક સાબીત થશે તેમ વધુમાં જણાવાયું છે.









