સોજીત્રા ખાતે કેમ્પ યોજી સોજીત્રા તાલુકાના આયોજન મંડળનાં કામોની વહીવટી મંજુરી અપાઈ

આણંદ, શુક્રવાર :: જિલ્લા આયોજન મંડળ દ્વારા આયોજનના મંજુર કરવામાં આવેલ કામો ઝડપભેર પૂર્ણ થાય અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે તમામ કામોની જવાબદારીપૂર્વક, પારદર્શક રીતે અને ઝડપી કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએ એક સાથે તમામ કામોની વહીવટી મંજુરી આપવાનું નક્કી કરવામાં આવેલ છે, જે અન્વયે આણંદ જિલ્લા આયોજન કચેરી દ્વારા ૪ તાલુકા પંચાયતને વર્ષ ૨૦૨૩-૨૪માં મળવાપાત્ર ગ્રાંન્ટમાંથી વન ડે – વન તાલુકા અંતર્ગત ૧૦૦ % વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત સોજીત્રા તાલુકા પંચાયત દ્વારા સોજીત્રા તાલુકાના આયોજન મંડળના કામોની વહીવટી મંજૂરી અને કામના વર્ક ઓડર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા આયોજન કચેરી દ્વારા વન ડે વન તાલુકા કેમ્પ અંતર્ગત સોજીત્રા તાલુકા પંચાયતને વર્ષ ૨૦૨૩-૨૪માં મળવાપાત્ર ૧૫% વિવેકાધીન જોગવાઈમાં મળવાપાત્ર રૂ.૯૦.૫૦ લાખ સામે કુલ ૯૧ કામોના રૂ. ૯૦.૪૦ લાખની અને ૧૫% (ખાસ અંગભૂત) જોગવાઈમાં મળવાપાત્ર રૂ. ૭.૦૦ લાખ સામે ૭ કામો રૂ. ૭.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જે પૈકી રૂ.૧૦૦.૦૦ લાખની ગ્રાન્ટમાંથી કુલ ૯૮ કામોની રૂ. ૯૭.૪૦ લાખની ૯૮ % વહીવટી મંજુરી તથા આ કામોના વર્ક ઓર્ડર સરપંચશ્રીઓને આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવીએ મંજૂર કરવામાં આવેલ વિકાસ કાર્યો સત્વરે શરૂ કરીને સમય મર્યાદામાં પુર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, વહિવટી મંજૂરીની તમામ કામગીરી e-sarkar મારફતે કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયત દ્વારા તમામ દરખાસ્તો e-sarkar મારફત મોકલતા, આયોજન કચેરી દ્વારા e-sarkar મારફત વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અગ્રણીશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તલાટી-કમ-મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









