સોજીત્રા મતવિભાગના ગ્રામજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરતા આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી

સોજીત્રા મતવિભાગના ગ્રામજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરતા આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી

તાહિર મેમણ : આણંદ – 03/04/2024- આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના પચેગામ મતદાન મથકની મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પચેગામ મતદાન મથકની મુલાકાત લઈ મતદાન મથકમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓથી માહિતગાર થયા હતા. તેમણે આ તકે પચેગામના મતદારોને મળીને તેમને લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં આગામી ૭ મી મે નારોજ યોજાનાર મતદાનમાં અવશ્ય મતદાન કરવા સમજણ આપી તેમને જાગૃત કર્યા હતા. એટલું જ નહીં પરંતુ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉપસ્થિત મતદારોને મતદાન જાગૃતિના શપથ લેવડાવીને મતદાનના મહત્વનો સંદેશો આપ્યો હતો.વધુમાં આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ “ચુનાવ કા પર્વ- દેશ ગર્વ”ના સ્લોગન સાથે બલૂન ઉડાડીને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ૧૧૪- સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના એ.આર.ઓ. શ્રી હેતલબેન ભાલીયા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારી તથા મતદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.








