
આણંદ, મંગળવાર :: આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્થિત બી.એ. કૃષિ મહાવિદ્યાલયના એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ દ્વારા “સંકલિત નીંદણ વ્યવસ્થાપન” વિષય પર યુનિવર્સિટીના કુલપતિશ્રી. ડૉ.કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ અનિકેત ખેડૂત છાત્રાલય ખાતે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એઆઈસીઆરપી-વીડ મેનેજમેન્ટના એગ્રોનોમીસ્ટ શ્રી.ડી. ડી. ચૌધરી દ્વારા તાલીમના મુખ્ય હેતુઓ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત એઆઈસીઆરપી- વીડ મેનેજમેન્ટ વિભાગની યોજનાકીય પ્રવૃત્તિઓ તેમજ નીંદણ નિયંત્રણ અંગે ટેકનિકલ તેમજ પ્રાયોગિક માહિતી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા નીંદણની ઓળખ અને તેનાથી થતું નુકસાન, હઠીલા અને પરોપજીવી નીંદણનું નિયંત્રણ, નીંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ તેમજ સંકલિત નીંદણ વ્યવસ્થાપન, નીંદણ નિયંત્રણ અંગેની ભલામણો, નીંદણ નાશકોની સૂક્ષ્મજીવાણું પર થતી અસરો, નીંદણ નાશકો અને તેના ઉપયોગમાં રાખવાની કાળજી, નીંદણ નાશકોના અવશેષો અને તેનું નિવારણ, સજીવ અને પ્રાકૃતિક કૃષિમાં નીંદણ નિયંત્રણ, નીંદણ નાશકોના છંટકાવનું પ્રાયોગિક નિદર્શન વગેરે જેવા વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા એઆઈસીઆરપી-વીડ મેનેજમેન્ટનાં ફાર્મ, સરદારપટેલ એગ્રીકલ્ચર એજ્યુકેશન મ્યુઝીયમ અને સૂક્ષ્મ જીવાણુંશાસ્ત્ર વિભાગની મુલાકાત કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગર તાલુકાના કુલ-૨૭ ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ તેમણે નીંદણ વ્યવસ્થાપનમાં તેમજ ખેતી ખર્ચ ઘટાડવામાં આ તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.









