ભાદરણ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે મેડીકલ કેમ્પ યોજાયો
તાહિર મેમણ : આણંદ – 16/02/2024- જિલ્લા આરોગ્ય વિભાગની સહયોગી ટીમ દ્વારા પીએમ સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાલયના ધોરણ ૬ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના શારીરિક સ્વસ્થતા અને આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં વિવિધ આરોગ્ય ટીમના ડોક્ટરો દ્વારા બાળકોની આરોગ્ય સ્થિતિનું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આંખોની તપાસ, ગાયનેક સંબંધી તપાસ, ચામડીના રોગોની તપાસ, જનરલ તપાસ વગેરે કરવામાં આવી હતી. આ કેમ્પ વિદ્યાલયના બાળકોના શારીરિક સ્વાસ્થ્યની તપાસ કરીને જો બાળક કોઈપણ પ્રકારની બિમારી ધરાવતું હોય તો તે મુજબનું નિદાન કરી બિમારીનું નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યોજવામાં આવ્યો હતો.
એક સ્વસ્થ્ય અને નિરોગી બાળકની સંકલ્પના સિધ્ધ કરવાના હેતુથી યોજાયેલ આ મેડીકલ કેમ્પના આયોજન માટે વિદ્યાલયના આચાર્યશ્રી ડૉ.વિ.મુનીરમૈયાએ ઉપસ્થિત સર્વે આરોગ્ય વિભાગની ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં બાળકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે તમામ બાળકોને સ્વાસ્થ્ય સંબધી જાણકારી પણ આપવામાં આવી હતી.
તાલુકા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીશ્રી ડો આર.કે.ઝાલાના માર્ગદર્શનમાં યોજાયેલ આ મેડીકલ કેમ્પમાં ભાદરણ પી.એચ.સી આરોગ્ય કેંદ્રના ડૉ.જાનવિકા પટેલ, આર.બી.એસ.કે વિભાગના શ્રીમતી નિધિ ઠક્કર પિડિયાટ્રીશિયન ડૉ.મહોમદ રફિક, ગાયનેકોલોજીસ્ટ ડૉ.અનિશ જીવા, ડર્મેટોલોજીસ્ટ ડૉ.રુચિર ભટ્ટ, તેમજ ડેંટીસ્ટ ડૉ.હિતેશ પરમાર સહિત શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








