
આણંદ જિલ્લામાંથી પેપર ફુટવાની ઘટના અને આ પહેલા પણ રાજ્યના શિક્ષણ વિભાગમાં એક પછી એક કૌભાંડો ઉજાગર થતાં શિક્ષણને લાંછન લાગી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે ખેડા જિલ્લામાંથી સમગ્ર રાજયને હચમચાવી મુકતુ બોગસ માર્કશીટ અને સર્ટીફીકેટનુ કૌભાંડ બહાર આવ્યું છે. ખેડાના ઠાસરાના નેસ ગામમાં નકલી માર્કશીટનો વેપલો કરનાર આરોપીને એલસીબીએ દબોચી લીધો છે. આરોપી પાસેથી 60 જેટલી માર્કશીટ જપ્ત કરવામાં આવી છે.
આ ઘટનામાં ઠાસરાના નેસ, ઉમરેઠના થામણા અને ઉત્તરપ્રદેશના શખ્સની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડાકોરમાં સરકારી દવાખાના પાસેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો. જેની પુછપરછ પોતાનું નામ કિરણ ચાવડા હોવાનું જણાવ્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે નેસ ગામના કિરણ ચાવડાની વધુ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં વિદેશ જવા માટે નકલી માર્કશીટ બનાવતા હોવાનું બહાર આવ્યું હતુ.
આરોપી પાસેથી SSC, HSC, B.A., B.com., B.C.A.ની કુલ 60 બોગસ માર્કશીટ સર્ટીફીકેટ મળી આવ્યા હતા. આ તમામ માર્કશીટો કુરિયર દ્વારા મોકલાયેલી હોવાનું અનુમાન છે. પોતાના આર્થિક ફાયદા માટે આરોપીઓ નકલી માર્કશીટનો વેપલો કરતો હોવાનું પોલીસને અનુમાન છે. પોલીસ તપાસમાં ભાંગી પડેલા કિરણે આ બનાવટી માર્કશીટો અને સર્ટીફિકેટ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામના નયનકુમાર જયેશભાઈ પરમાર મારફતે મળી હતી. અને ઉત્તરપ્રદેશના ડો. અખીલેશ પાન્ડે પાસેથી મેળવ્યા હોવાની હકીકત બતાવી હતી. આ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટિફિકેટની જરૂરિયાત ધરાવતા જુદા-જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દિઠ અલગ અલગ રૂપિયા લઈને પરીક્ષા પાસ કરેલા સર્ટી બનાવવામાં આવતા હતા. આર્થિક ફાયદા માટે આ ધિકતા ધંધા પર હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા, નયનકુમાર જયેશભાઈ પરમાર અને ઉત્તરપ્રદેશના ડો. અખીલેશ પાન્ડે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









