દ્વારકા, ગોપનાથ અને વેરાવળ ખાતે પર્યટન સ્થળોમાં પરિવર્તિત દીવાદાંડીઓ(લાઇટ હાઉસ)નું ઉદ્ઘાટન

દ્વારકા, ગોપનાથ અને વેરાવળ ખાતે પર્યટન સ્થળોમાં પરિવર્તિત દીવાદાંડીઓ(લાઇટ હાઉસ)નું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ
***
દેશમાં ૭૫ દીવાદાંડીની ઓળખ કરીને ટુરિઝમ હબ બનાવવામાં આવી રહ્યા છે – કેન્દ્રીય મંત્રીશ્રી
માહિતી બ્યુરો:- દેવભૂમિ દ્વારકા
બંદર, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે આજે દ્વારકા ખાતેથી દ્વારકા, ગોપનાથ અને વેરાવળમાં પર્યટન સ્થળોમાં પરિવર્તિત દીવાદાંડીઓ(લાઇટ હાઉસ)નું ઉદ્ઘાટન કર્યું હતું.
આ તકે કેન્દ્રિય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવલ જણાવ્યું હતું કે, આજે હું દ્વારકાની પાવન ભૂમિ પર આવી ધન્યતા અનુભવું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં દેશ વિકાસના નવા આયામો સિદ્ધ કરી રહ્યો છે. સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી અને દેશના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશ પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બને તેમજ દેશના યુવાનો તથા નાગરિકોને દીવાદાંડીઓ (લાઈટ હાઉસ)ના ઐતિહાસિક મહત્વ વિશે જાણકારી પ્રાપ્ત થાય તે માટે દેશમાં ૭૫ દીવાદાંડીની ઓળખ કરીને ટુરિઝમ હબ બનવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક રૂપે ઘણા વર્ષોથી આ દિવાદાંડીઓ મદદરૂપ થઈ રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના દરિયાઈ વિસ્તારમાં પર્યટનનો વિકાસ થાય તેમજ ત્યાં વસવાટ કરતા નાગરિકોને આજીવિકાનું માધ્યમ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દીવાદાંડીઓને પ્રવાસન સ્થળ બનાવીને દેશને પર્યટનનું કેન્દ્રબિંદુ બનાવવાનું છે.
ઉલ્લેખનીય છે કે, દ્વારકા ખાતે નવીનીકરણ પામેલા અદ્યતન દીવાદાંડી ખાતે પ્રવાસીઓ માટે મ્યુઝિકલ ફાઉન્ટન, એમ્ફિથીયેટર, મ્યુઝિયમ, સોવોનિયર શોપ, સેલ્ફી પોઇન્ટ વગેરે જેવી સુવિધાઓ નાગરિકોને પ્રાપ્ત થઈ છે.
ઐતિહાસિક દીવાદાંડીઓને પર્યટન સ્થળો તરીકે કાર્યરત કરી શકાય એ માટે પૂરતી સુવિધાઓ સાથે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે સમગ્ર ભારતમાં ૭૫ ઐતિહાસિક દીવાદાંડીઓને પ્રવાસન સ્થળોમાં રૂપાંતરિત કરવાના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) અભિયાનની શરૂઆત દર્શાવે છે.
આ તકે બંદર, જહાજ અને જળમાર્ગ વિભાગના સચિવશ્રી ટી.કે.રામચંદ્રન , લાઈટ હાઉસ અને લાઇટ શિપના ડાયરેક્ટર જનરલશ્રી એન. મુરુગાનંદમ, જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા , જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ભુપેષ જોટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઊપસ્થિત રહ્યા હતા.