
રાજપીપલાની GMERS મેડિકલ કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ ખાતે કેન્સર OPDનો પ્રારંભ કરાવાયો
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રાજપીપલા ખાતે અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ઓપીડી ચાલુ રહેશે
જુનેદ ખત્રી : રાજપીપલા
GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી. મોદી કેન્સર સેન્ટરના સહયોગથી “કેન્સર OPD” શરૂ કરવામાં આવી છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે. કારણ રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર OPD અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે ૧૦:૦૦થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઓપીડીમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ હોસ્પિટલ-અંકલેશ્વરના નિષ્ણાંત તબીબો સેવા પુરી પાડશે. આ ઓપીડી દરમિયાન કેન્સરનું નિદાન થાય તો સારવારની જરૂરિયાત વાળા દર્દીઓને વિનામૂલ્યે અંકલેશ્વર સુધી લઈ જવાની સુવિધા કરવા સાથે તેમની સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે તેવી ખાતરી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આપવામાં આવી હતી.

આ અવસરે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર ઓપીડી શરૂ થઈ રહી છે, જે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. લોકોમાં જનજાગૃતિ કેળવાય તો જે કેન્સર પ્રત્યેની ગેરમાન્યતાઓ રહેલી છે તે દૂર થાય. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આ ખૂબ જ સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે. અહીં વિશેષ તજજ્ઞ તબીબોની ટીમ સેવા આપવા માટે તૈયાર થઈ રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તબીબોના મતે કેન્સર એ સામાન્ય બિમારી નથી પરંતુ તેના લક્ષણોને જો સમયસર જાણીને સારવાર શરૂ કરી દેવામાં આવે તો તેમાંથી બહાર આવી શકાય છે. આ બિમારીનું સત્વરે નિદાન કરાવીને કેન્સરના ભયથી દુર થવા ઉપસ્થિત સૌએ જિલ્લાના નાગરિકોને આગળ આવવા અને એપીડીનો લાભ લેવા હાકલ કરી હતી. ખાસ કરીને શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ હોવી, લાંબા સમયથી ના રૂઝાતુ ચાંદુ, નીપલમાં લોહી નીકળવું અને સ્તન અથવા નીપલના આકારમાં ફેરફાર થવો, શરીરના કોઇ પણ ભાગમાંથી અસામાન્ય પણે પડતું લોહી કેન્સરના લક્ષણો હોઈ શકે છે.






