કાલોલ પાલિકાના સફાઇ કામદારોને ખોટી રીતે પાર્ટટાઇમ કામદાર દર્શાવી થયેલ અન્યાય સામે કલેકટર ને લેખીત રજુઆત.

તારીખ ૧૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના સફાઈ કામદારોને લઘુતમ વેતન આપવું ના પડે તે માટે આ સફાઈ કામદારોને ફૂલ ટાઈમ કામ કરાવી પાર્ટ ટાઈમ દર્શાવી તેમને અપૂરતો પગાર આપવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.છેલ્લા વીસ વર્ષથી સફાઈ કામદાર તરીકે સેવા આપતા સફાઈ કામદારોની ફરિયાદ છે કે સરકારના લઘુતમ વેતન રૂપિયા ચારસો એકતાળીસ ચૂકવવાના પડે એટલે આ કામદારો પાસે ફૂલ ટાઈમ કામ આપવાના બદલે પાર્ટ ટાઈમ કામદાર દર્શાવી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.પાર્ટટાઇમ કામ કરી બીજું કોઈ કામ આ ઉંમરે મળતું ન હોઈ નકામા ઘરે બેસી રહેવું પડે છે. વર્ષો થી પોતાના તન અને મનથી શહેરને સાફ અને સ્વસ્થ રાખનાર પોતાની જિંદગી ઘસી નાખી શહેરને ચોખ્ખું રાખવાનું કાર્ય કરી પોતાનું પેટિયું રળી પોતાનું અને પોતાનાં કુટુંબનું ભરણપોષણ કરતા આ કામદારોને કાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાર્ટ ટાઈમ દર્શાવી ખૂબ જ ઓછા વેતનમાં કામ કરવા મજબૂર કરવામાં આવી રહ્યાનું સફાઈ કામદાર જણાવી રહ્યા છે.આવી અસહ્ય મોંઘવારીમાં આટલા ટૂંકા પગારમાં પોતાનું અને પોતાના કુટુંબનું પૂરું કેમ કરવું તથા બાળકોના ભણતર માટેની સુવિધા કેરી રીતે પુરી પાડવી તે પ્રશ્ન સતાવી રહ્યો છે.આ અન્યાય સામે આ સફાઈ કામદારોએ જિલ્લા કલેક્ટર ને પોતાની વેદનાની લેખિત રજુઆત કરી ન્યાયની માગણી કરી છે.










