
આ તાલીમથી પશુ સારવાર અને પશુપાલન ક્ષેત્રે સખી મંડળની બહેનોની ભાગીદારી વધશે
આણંદ, સોમવાર :: રાજ્ય પશુપાલન વિભાગ, નેશનલ ડેરી ડેવેલોપમેન્ટ બોર્ડ, અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી., મિશન મંગલમ યોજનાના સંયુક્ત ઉપક્રમે આણંદ અને ખેડા જિલ્લાના ૨૮ સખીમંડળની બહેનો માટે રાજ્યની પ્રથમ ૧૭ દિવસીય A-HELP તાલીમનું બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, વલાસણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સખી મંડળની બહેનો દ્વારા ગ્રામ્ય વિસ્તારના પશુમાં દૂધનું ઉત્પાદન વધારવા, પશુમાં સમયસર રસીકરણ, પશુઓમાં થતાં રોગ અને તેનો ઉપચાર તેમજ પશુ સંવર્ધન વિષયને લગતી માહિતી અને જાણકારી આપવાનો હતો. આ તાલીમના માધ્યમથી પશુપાલનનો ધંધો લાભપ્રદ બને અને દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ શકે તે માટે પશુપાલકોને A-HELP સખી મદદરૂપ થઇ શકશે.
આ તાલીમમાં મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ. આશિષ ગજેરા અને વેટરનરી ઓફીસરશ્રી ડો. રવિકાન્ત દ્વારા પશુપાલનને લગતા વિવિધ વિષયો, પશુનું રસીકરણ, પશુ આહાર, પશુ આવાસ તથા પશુઓમાં થતી બિમારીઓ વિશે માર્ગદર્શન તથા સરકારી પશુ ફાર્મ, તાલુકા કક્ષાના પશુ દવાખાનાની મુલાકાત, પ્રેક્ટીકલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમના અંતિમ દિવસે તાલીમાર્થી બહેનોનું મૂલ્યાંકન નેશનલ એકેડમી ફોર આરસેટી દ્વારા કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જયશ્રીબેન, નિમિષાબેન, ઇન્દુબેન, કિરણબેન અને કોમલબેનને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ ૧૭ દિવસીય A-HELP તાલીમના સમાપન પ્રસંગે મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ.સરોજ પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.મેહુલ પટેલ, શ્રી સાવન ગોહેલ, શ્રી વિકાસ મકવાણા, શ્રીરજનીકાન્ત મકવાણા તથા એસેસમેન્ટ ટીમના સભ્યો ડૉ.ઉપેન્દ્ર વ્યાસ અને ડૉ.ગીરધરલાલ પાંચાણી ઉપસ્થિત રહ્યા હતા.









