પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આણંદ, બુધવાર :: પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી આણંદ ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ(SRC) અને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવાના હેતુથી ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી-સભ્યોને માર્ગ સલામતીના વિવિધ નિર્ણાયક પાસાઓ તેમજ અકસ્માત એપિસોડ વિશે ટૂંકી ફિલ્મ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં જવાબદાર માર્ગ વર્તન, ટ્રાફિક નિયમો અને રસ્તાઓ પર સહાનુભૂતિ તથા સહકારની જરૂરિયાતને પ્રોત્સાહન આપવા પર ભાર આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓ દ્વારા ટ્રાફિક જાગરૂકતા, ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના પરિણામો અને સુરક્ષિત જીવન નિર્માણમાં દરેક વ્યક્તિનું યોગદાન જેવા વિવિધ વિષયો પર માહિતીસભર વક્તવ્ય આપવામાં આવ્યુ હતું. વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો પાળવાથી જીવનને અકસ્માત સામે રક્ષણ આપી શકાય છે તેમ સમજાવવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં હાજર સૌએ ભાવિ પેઢીઓમાં જાગૃતિ, જવાબદારી અને સહાનુભૂતિ લાવી ટ્રાફિક નિયોમોની સંપૂર્ણપણે જાળવણી કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં વેટરનરી સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. પી.એચ.ટાંક, આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમના પોલીસ સબઇન્સ્પેક્ટર એચ.આર.પ્રજાપતિ, વેટરનરી સાયન્સ કોલેજના વિભાગીય વડા ડૉ. કે.કે.હડિયા, એસઆરસી અધ્યક્ષશ્રી ડૉ. જે.એચ.ચૌધરી, એનએસએસ ઓફિસર ડૉ. કે.એ.સાદરીયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









