
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે દરિયાકાંઠાના વિસ્તારમાં મેન્ગ્રુવના રોપાઓનું વાવેતર કરાયું
*****
આણંદ, સોમવાર :: પર્યાવરણને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેને ઉછેરવાના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વડગામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને MISHTI અંતર્ગત મેન્ગ્રુવના વાવેતરનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના પ્રદૂષણથી ત્રસ્ત થઈ રહ્યું છે ત્યારે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે ભારત સમગ્ર વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ બન્યો છે.
દરિયાની ખરાશથી દરિયાકાંઠાની સારી જમીનને નુકસાન ન થાય તે માટે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમવાર વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં મેન્ગ્રુવના વાવેતર માટે ખાસ બજેટની ફાળવણી કરવામાં આવી છે તેમ જણાવી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે ખૂબ મોટી સમસ્યા બની ચુકી છે. પ્રકૃતિની સાથે સાથે માનવ જીવન બચાવવા માટે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જરૂરી બની છે તેવા સમયે આપણે સૌએ વૃક્ષારોપણને સામાજિક મુહિમ બનાવવી પડશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પણ પૂજન કરવામાં આવે છે. વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાને અપનાવનાર ભારત આજે પર્યાવરણને બચાવવામાં પણ વૈશ્વિક આગેવાની કરી રહ્યું છે.
સામાજિક વનીકરણ વર્તુળ, અમદાવાદના વન સંરક્ષક શ્રી રાજ સંદીપ એ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા મિશન લાઈફ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે અંતર્ગત ૧૨ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં MISHTI કાર્યક્રમ અંતર્ગત મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષક શ્રી ભરતભાઈ ડાભી સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે કાર્યકમના અંતે જીઓલોજી વિભાગના ઇશ્વરભાઇ દેસાઈએ ઉપસ્થિતોને પર્યાવરણ બચાવવા અંગેના શપથ લેવડાવી આભાર વિધિ કરી હતી.
આ તકે મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો એ દરિયાકાંઠાના વિસ્તારમાં મેન્ગ્રુવના રોપાઓનું વાવેતર કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, પ્રાંત અધિકારી શ્રી નિરૂપા ગઢવી, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, અગ્રણીશ્રી મયુરભાઈ રાવળ, મયુરભાઈ સુથાર, વન વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









