આણંદ જિલ્લાના નાગરિકોને ચોમાસા દરમિયાન કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવી

જિલ્લા કલેકટર શ્રી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્લાનિંગ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
*****
આણંદ, મંગળવાર :: આણંદ જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન પ્લાનિંગ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ આગામી ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ તકે કલેકટરશ્રીએ જિલ્લાના જે સ્થળોએ પાણી ભરાવાના પ્રશ્નો રહેતા હોય તેવા સ્થળોની સ્થળ મુલાકાત લઇ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને ગટર-કાંસની સાફ-સફાઇ સમયસર થઇ જાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરી આગોતરૂં આયોજન કરવાની સાથે કચરાનો પણ યોગ્ય નિકાલ થાય તેમજ જિલ્લામાં જર્જરિત મકાનો હોય તો તેની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવા જણાવ્યું હતું.
તેમણે સંબંધિત અધિકારીઓને ગામ-તાલુકા અને જિલ્લા કક્ષાનો વિગતવાર એકશન પ્લાન ઘડી કાઢવાની સાથે જિલ્લા-તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-રાહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું.
કલેકટરશ્રીએ સ્થળાંતરની પરિસ્થિતી ઊભી થાય તો તેના માટેના આશ્રયસ્થાનોની જરૂરી ચકાસણી કરવાની સાથે, સામાજિક-સેવાભાવી-સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત તરવૈયાઓ અને હોમગાર્ડઝના જવાનોની યાદી તૈયાર રાખવા જણાવી સરકારી/ખાનગી જેસીબી મશીનો, ક્રેઇન, ટ્રેકટર, ડમ્પરની વિગતો તૈયાર રાખવા તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનો પુરવઠો જળવાઇ રહે તે જોવા અનુરોધ કર્યો હતો.
તેમણે સંબંધિત અધિકારીઓને નડતરરૂપ જોખમી વૃક્ષો, ઝાડી-ઝાંખરા ઉતારી લેવા સુચન કરીને જિલ્લાના તમામ અધિકારીઓને ચોમાસાની ઋતુ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય પોતાનું હેડકવાર્ટર ન છોડવાની તાકીદ કરી હતી. તેમજ રેસ્કયુ-રીલીફ ટીમની રચના કરી તાલીમબધ્ધ કરવા અને પ્રજાજનોને કોઇપણ પ્રકારની હાલાકી ન પડે તે જોવા પર ભાર મૂકયો હતો.
આ બેઠકમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








