સરપંચ પર ખનન માફિયાઓએ જીવલેણ હુમલો કરતા ખનન માફીયાઓ સામે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ


ગોલવાડા ગામની સીમમાં ખનિજ ચોરોએ મહિલા સરપંચના પતિ અને ડે. સરપંચ પર હુમલો કર્યો
સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વાત્સલ્ય ન્યૂઝ | ઈડર
ઈડરના ગોલવાડા ગામની સીમમાં સાબરમતી નદીના પટમાંથી મંગળવારે સમી સાંજે પાંચેક વાગ્યાના સુમારે મહેસાણા જિલ્લાના 4 શખ્સો ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોવાથી ગોલવાડા ગામના મહિલા સરપંચના પતિ તથા ડેપ્યુટી સરપંચ રેતી ખનન અટકાવવા જતા ચારેય શખ્સોએ બંને જણા પર હુમલો કરી લાકડાના પાટિયા વડે માર મારી ઈજાગ્રસ્ત કરતા ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જે અંગે ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઈડરના ગોલવાડા ગામની સીમમાં આવેલ સાબરમતી નદીના પટમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોવા અંગે ગોલવાડા ગામના રહીશ નરેશભાઈ રાવળે ગોલવાડા ગામના સરપંચ નિર્મલાબેન ઠાકોરને જાણ કરી હતી જેથી ગોલવાડા ગામના મહિલા સરપંચ નિર્મલા બેને તેમના પતિ ભરતજી અરખાજી ઠાકોર ને જાણ કરતા ડેપ્યુટી સરપંચ પ્રધાનજી ગોલવાડા સાથે નદીના પટમાં ગયા હતા અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા 4 શખ્સોને અટકાવીને તેમની પાસે લીઝ બાબતોના કાગળો માગતા 4 શખ્સો પૈકી સુભાષભાઈ અંબાલાલ રાવળે અપશબ્દો બોલતા ભરતજી ઠાકોરે અપશબ્દો બોલવાની ના પાડતા તેમની સાથેના લાલાભાઇ વિષ્ણુભાઈ રાવળે ઉશ્કેરાઇ જઈ લાકડાનું પાટિયું ભરતજી ઠાકોરને કપાળના ભાગે માર્યું હતું અને કાકુસિહ પ્રભાતસિંહ પરમારે માર માર્યો હતો. ચારેય શખ્સો દ્વારા મહિલા સરપંચના પતિ અને ડેપ્યુટી સરપંચ ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ ઇડર પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
બોક્સ :
આમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ :
1. સુભાષભાઈ અંબાલાલ રાવળ
2. લાલાભાઇ વિષ્ણુભાઈ રાવળ
3. કાકુ સી પ્રભાતસિંહ પરમાર
4. વિક્રમભાઈ મહેશભાઈ રાવળ (તમામ રહે. દુદાસણ તા. ખેરાલુ જી. મહેસાણા)



