ગુજરાતમાં અનેક સ્થળોએ બોગસ મતદાન થયાની બૂમો ઊઠી

વડોદરામાં અનેક સ્થળોએ બોગસ મતદાન થયાની બૂમો ઊઠી છે ત્યારે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં એક યુવકને આવો જ અનુભવ થયો છે. માર્કેટ નજીક આવેલી મધ્યવર્તી સ્કૂલમાં મત આપવા માટે બકરાવાડીનો અક્ષય માછી આઈડી પ્રુફ લઈને કતારમાં ઊભો હતો. એકાદ કલાક બાદ તે બુથમાં ગયો ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરે તેનું મતદાન સવારે જ થઈ ચૂક્યું હોવાનું જણાવ્યું હતું. યુવકે તેના હાથમાં શાહીની નિશાની નહીં હોવાનું દર્શાવ્યું હતું અને મતદાન મથકની નોંધબુકમાં વેરિફિકેશન કરવા કહેતા ત્યાં જુદું જ આઈડી પ્રૂફ દર્શાવવામાં આવ્યું હતું. યુવકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું હતું. આ પ્રકારના બનાવો બીજા પણ સ્થળે બન્યા હોવાની વિગતો જાણવા મળી છે.
કચ્છ લોકસભા બેઠક પર સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ભુજ તાલુકાના માધાપર જુનાવાસની કન્યા શાળામાં બોગસ મતદાનની ફરિયાદ સામે આવી છે. ક્ષત્રિય સમાજના રણજીતસિંહ જાડેજાએ બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ કરી છે. મતદાન મથકમાં જ્યારે રણજીતસિંહ મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું મતદાન કોઈએ અગાઉ કરી જ લીધું હતું. રણજીતસિંહની જગ્યાએ મતદાન કરેલ વ્યક્તિ અભણ હોતા અંગૂઠો મારીને મત કરેલ છે જ્યારે રણજીતસિંહ એક્સ આર્મીમેન છે. રણજીતસિંહ દ્વારા મતદાન મથક પરના પ્રિસાઇડિંગ ઓફિસરનું પૂછાનું લેવામાં આવ્યું. ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડના નંબર પણ મેચ થતા ન હોવા છતાં મતદાન કર્યું. પરંતુ અધિકારીએ બીજી વાર મતદાન કરવા જણાવ્યું ત્યારે મતદારે ના પાડી. ફરિયાદીએ પોલીસને સંપર્ક કરી ફરિયાદ
નોંધાવી છે. માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી. બી. ગઢવીએ આક્ષેપોના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સવગઢ વિસ્તારમાં રહેતા યુવાન મતદાન કરવા જતા તેને બુથમાંથી પહેલાથી જ મતદાન થઈ ગયું હોવાનું જાણ થઈ. જોકે યુવાનના હાથ પર શાહીનું નિશાન પણ નહોતું. આવા ચારથી પાંચ લોકો દ્વારા તેમનું અગાઉથી મતદાન થઈ ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આ મામલે પ્રીસાઈડિંગ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.