
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ. ગાંધીએ રામપુરા ઘાટથી સમગ્ર પરિક્રમા પથનું જાત નિરીક્ષણ કર્યું
વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને નજરે નિહાળી સુરક્ષા અંગેની સમીક્ષા કરી
પ્રભારી સચિવ એમ.એ. ગાંધીની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિત વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધી આજે તા. ૬ એપ્રિલના રોજ પરિક્રમા સંદર્ભે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. નર્મદા મૈયાની ચૈત્ર માસમાં યોજાતી પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા અંગે સંપૂર્ણ પરિક્રમા પથ અને રૂટ પર ચાલીને તંત્ર દ્વારા કરેલી વ્યવસ્થા અને નવા કામચલાઉ કાચા બ્રિજની સુરક્ષા અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું. શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી તંત્રની કામગીરીને પ્રભારી સચિવએ બિરદાવી હતી.
પ્રભારી સચિવ ગાંધીએ નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે પહોંચીને ઘાટ, જેટી, બોટ, લાઈફ જેકેટ, દિશા સૂચક બોર્ડ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી કાયમી ધોરણે રહે તેવું સલામતી અંગેનું દિવાલ પર પેઇન્ટિંગ કરી દિશા સૂચક બોર્ડ તૈયાર કરવા અંગે સૂચન કર્યું હતું. ઘાટ ઉપર આવેલા શ્રદ્ધાળુઓ સાથે પરિક્રમા અંગે જરૂરી પૃચ્છા પણ કરી હતી અને નાવડીના ઈજારદારો સાથે પણ ચર્ચા કરી માહિતી મેળવી હતી અને યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા આહવાન કર્યું હતું. તેમજ ઈજારદારની નાવડીમાં બેસીને સામા કાંઠાનો પ્રવાસ કર્યો હતો. અને એસડીઆરએફની ટીમો દ્વારા નદીના પેટ્રોલિંગની થઈ રહેલી કામગીરી પણ નિહાળી હતી. રસ્તામાં યાત્રિકો માટે ઓઆરએસ, મેડિકલ સુવિધા, બોટની પ્રતિક્ષા અર્થે છાંયડાની વ્યવસ્થા માટે મંડપ, બેરિકેટીંગ, સેવાકેન્દ્ર, ભોજન, ચા-પાણીની રૂટ પરની વ્યવસ્થાઓનું નિરિક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
પરિક્રમા પથની મુલાકાત બાદ જિલ્લા પ્રભારી સચિવએ એકતાનગર-વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને ટીમ નર્મદા તરીકે સહિયારી આગેકૂચ કરવા અનુરોધ કર્યો હતો. સાથે આગામી આયોજન અંગે હકારાત્મક રીતે વિચારવા જણાવ્યું હતું. જેમાં રસ્તાઓ, બેરિકેટિંગ, સાઈન બોર્ડ, સલામતી અંગેની કાળજી લેવા પણ જણાવ્યું હતું.






