
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*શિવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ, લઘુ રુદ્ર, પૂજા અભિષેક, કુંડલિની જાગરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો લાભ લેતા હજારો ભક્તગણ*
પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે, બે દિવસીય શિવરાત્રી મહોત્સવમાં ભાવિક ભક્તોએ વિવિધ કાર્યક્રમોના સથવારે આત્મખોજ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે શિવરાત્રી નિમિત્તે આયોજિત નવચંડી યજ્ઞ, લઘુ રુદ્ર, પૂજા અભિષેક, કુંડલિની જાગરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો હજારો ભક્તગણે લાભ લીધો હતો.
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્ય અને પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના દુરસુદૂરના વિસ્તારોમાથી પણ વાસુરણા પધારેલા ભક્તજનોએ પૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં આંતરખોજની દિશામાં પ્રયાણ કર્યું હતું.
ભાવિક ભક્તિ સહિત દાતાઓ, મહાનુભાવો, અધિકારી, પદાધિકારીઓ, ગ્રામજનો સૌએ અહીં વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે શિવરાત્રી મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ, ધન્યતા અનુભવી હતી.
તેજસ્વિની સંસ્કૃતિ ધામના સ્થાપક એવા બ્રહ્મવાદિની હેતલ દીદીએ ‘કેવલ સ્વયં કો ખોજના હે, બાકી સબ તો ગૂગલ પર હે હી’ એવુ સદ્રષ્ટાંત સમજાવી, સૌને આંતરખોજ તરફ દોર્યા હતા.
આચાર્ય શ્રી કેતન દાદાના હસ્તે વૈદિક પૂજાપાઠ સહિતના કાર્યક્રમોમાં ડાંગમાં આધ્યાત્મિક ક્રાંતિ જગાડનાર સંતો સર્વશ્રી પી.પી.સ્વામીજી, અસીમાનંદજી તથા યશોદા દીદી પણ સહભાગી થયા હતા.
દરમિયાન તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે સપરિવાર પધારેલા ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે વાસુરણા ધામ સુધી એસ.ટી.બસ ની સુવિધા ઉપલબ્ધ થાય તેવા તેમના સાનુકૂળ પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું. જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિતે પણ કાર્યક્રમોનો લ્હાવો લીધો હતો.









