સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને ચાલુ વર્ષે રોયલ્ટીની આવકમાં રૂપિયા 33 કરોડનો વધારો નોંધાયો.

તા.12/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગને છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે રોયલ્ટીની આવકમાં ગત વર્ષની સરખામણીમાં જ રૂપિયા 33 કરોડ જેટલો તોતિંગ વધારો જોવા મળ્યો છે ચાલુ વર્ષે ખાણખનીજ વિભાગને રોયલ્ટીની કુલ આવક 92 કરોડથી વધુની નોંધાઇ છે સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં રેતી, કાર્બોસેલ, પથ્થર, ચિનાઇ માટી તેમજ બ્લેક સ્ટોન સહીત અનેક પ્રકારના ખનીજોનો વિપુલ પ્રમાણમાં ભંડાર આવેલો છે જેમાં ખાસ કરીને સાયલા પંથકમાં બ્લેક સ્ટોન, ધ્રાંગધ્રામાં પથ્થર, થાન અને મુળી પંથકમાં કાર્બોસેલ તેમજ ચિનાઇ માટી તેમજ વઢવાણ અને લીંબડી પંથકમાં રેતી સહીતના ખનીજનો વિપુલ પ્રમાણમાં ભંડાર આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ખનીજ ભંડાર હજારો લોકોને રોજગારી તો પુરી પાડે છે સાથે સાથે રોયલ્ટી પેટે સરકારને પણ લાખો કરોડો રૂપિયાની કમાણી કરાવે છે સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાંથી નિકળતા આ ખનીજ માટે સરકારને ટન દીઠ રોયલ્ટીના પૈસા ચૂકવવામાં આવતા હોય છે ત્યારે આ રોયલ્ટીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગને વર્ષ 2023, 24 માં રોયલ્ટી પેટે કુલ આવક રૂપિયા 92 કરોડથી વધુની નોંધાઇ છે જે ગત વર્ષેે વર્ષ 2022 23 માં રોયલ્ટીની આવક 59 કરોડ નોંધાઇ હતી આમ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રોયલ્ટીની આવકમાં 33 કરોડનો જંગી વધારો નોંધાયો છે.





