
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમના યાત્રિકો એકતાનગર કેવડિયા ખાતે આવી પહોંચતા ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરાયું
૩૦૦ મહેમાનોનો પ્રથમ પડાવ કેવડિયા આવી પહોંચતા ૨૦ થી ૩૦ એપ્રિલ સુધી યાત્રિકો તબક્કાવાર એકતાનગરનો પ્રવાસ કરશે
પ્રકૃતિ, સંગીત, શરણાઈ, ઢોલ નગારા સાથે કલાકારો દ્વારા સ્વાગત : ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા ફુલ અને બાળોઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના એકતાનગર – કેવડિયા ખાતે ૩૦૦ યાત્રિકોનો પ્રથમ પડાવ ટેન્ટસિટી – ૨ ખાતે વડોદરાથી બસ મારફતે આવી પહોંચ્યો હતો. તમિલનાડુના યાત્રિકોનો છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દુધધારા ડેરી ભરૂચ અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છ અને ફુલ આપી પ્રત્યેક યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તામિલનાડુના કન્વીનર એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટ ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવાયાત્રીકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું.
આ પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ ત્રણેય ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી – ૨ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.