
નર્મદા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ દસ ગ્રામ પંચાયતના ક્લસ્ટર રચી ખેડુતોને પ્રાકૃતિક કૃષિની અપાઈ રહેલી તાલીમ
આત્મ નિર્ભર ખેડુતથી આત્મ નિર્ભર ભારતના નિર્માણના પ્રયાસ સાથે માસ્ટર ટ્રેનરો સાથે ૨૨ ટીમો ગામે ગામ જઇને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપશે
રાજપીપલા : જુનેદ ખત્રી
વડાપ્રધાન નરેદ્નભાઈ મોદીએ “Back to Nature”નો મંત્ર આપી તેના થકી અનેક પ્રશ્નોના ઉકેલ પ્રકૃતિ પાસે જ હોઇ દેશના નાગરીકો અને ખેડુતોને આઝાદીના અમૃતકાળમાં પ્રકૃતિ તરફ પાછા વળવા આહવાન કરેલ છે. ગુજરાત રાજયના માન.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ તા.૧ લી મેના રોજ ગુજરાત રાજયના સ્થાપના દિવસની ઉજવણી અવસરે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, ધરતી માતા અને ગૌમાતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડુતો આત્મ નિર્ભર બને તેવા શુભ આશયથી મીશન મોડ પર પ્રાકૃતિક કૃષિ મહા અભિયાન હાથ ધરાયું છે.
નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અને ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગના સંયુક્ત પ્રયાસોથી પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે દસ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બનાવીને નર્મદા જિલ્લામાં કુલ ૨૨ ક્લસ્ટરમાં રાજય સરકારશ્રી ધ્વારા વિશેષ તાલીમ પામેલા માસ્ટર ટ્રેનરો દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સ્થાપના દિનના રોજ ખેડુત માસ્ટર ટ્રેનર સાથે સાથે ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને આત્મા સ્ટાફના ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સ પણ જોડાઇને જિલ્લાના ૧૭થી વધુ ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે. જેમાં જિલ્લાના ૭૦૦ થી પણ વધુ ખેડુતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમમાં પ્રાકૃતિક ખેતી માટેના મુખ્ય આયામો પૈકી વિશેષરૂપે ખેડુતોને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને પ્રાકૃતિક કીટ નાશકો બનાવવાની પ્રત્યક્ષ રૂપે તાલીમ આપવામાં આવી રહી છે.
આઝાદીના અમૃતકાળમાં કરવામાં આવી રહેલી પ્રાકૃતિક ખેતીની મુહીમ આવનારી પેઢીઓને ફળદ્રુપ જમીન અને તંદુરસ્ત જીવન આપનારી હોઇ જિલ્લાના વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પણ હાંકલ કરવામાં આવી હતી. વધુમાં, પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને આગામી સમયમાં તેમના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ મળી રહે તે માટે ગ્રામ્ય, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ખાસ માર્કેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.






