
રાજપીપલા વન સંકુલ ખાતે રાજ્ય વનમંત્રી મુકેશ પટેલના હસ્તે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું લોકાર્પણ કરાયું
જાપાનીઝ પધ્ધતિથી ગુજરાતમાં 85 જેટલા વન કવચ ઉભા કરાયા, આગામી સમયમાં 100 હેક્ટરમાં વન કવચ ઉભું કરાશે : રાજ્ય વનમંત્રી મુકેશ પટેલ
નર્મદા જિલ્લામાં આવેલ માલસામોટનો સાપુતારાની જેમ વિકાસ કરવામાં આવશે : રાજ્ય વનમંત્રી મુકેશ પટેલ
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે આજે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે વન સંકુલ ખાતે નવ નિર્માણ પામેલ વન વિશ્રામ ગૃહ અને વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા રાજપીપળા ના વન સંકુલમાં વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે ઉપરાંત જાપાનીસ પદ્ધતિથી વૃક્ષોનું ઉછેર કરીને પાંચ મહિનાના ટૂંકા ગાળામાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે નવ નિર્માણ આકર્ષણોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સહભાગી વન વ્યવસ્થા હેઠળ જન સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા વન વિભાગના કાર્યક્ષેત્રમાં કુલ સાત રેન્જના ૮૪૭.૯૫૬૨ ચો. કિમી વનવિસ્તાર નો સમાવેશ થાય છે વનવિસ્તારનું સંરક્ષણ તથા સંવર્ધન સહભાગી વનવ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે ક્ષેત્રીય રેન્જમાં ૮૬ સમિતિ અને અભ્યારણ વિસ્તારની રેંજો માં ૫૨ સમિતિ રચવામાં આવી છે જેમાં કુલ ૧૩૮ સમિતિઓમાં ૧૬૬ સ્વ સહાય જૂથો બનાવવામાં આવ્યા છે જે પૈકી ૧૪૪ સ્વસહાય જૂથોનું મિશન મંગલમ સાથે જોડાણ પણ કરાયું છે આ જૂથો પૈકી ૯૪ જૂથો આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જેનાથી આર્થિક ઉત્પાદન સાથે સાથે વનનું સંરક્ષણ અને વન્યજીવનનું સંરક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ રેંજોમાં વેચાણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે જ્યાં સ્વ સહાય જૂથ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓનું વેચાણ કરી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે આજે નર્મદા જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે કુદરતના સૌંદર્યના ખોળામાં રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે ઉપરાંત વન કવચ ઊભું કરવામાં આવ્યું છે વડાપ્રધાન નું સ્વપ્ન હતું કે જાપાનીઝ પદ્ધતિથી વન ઊભું કરવું જે હેઠળ ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચ ઊભા કરવામાં આવ્યા છે સામાન્ય રીતે બે વર્ષમાં જે વૃક્ષોની વૃદ્ધિ થાય તે જાપાનીઝ પદ્ધતિથી ફક્ત પાંચ મહિનામાં વન કવચ ઊભું કરાવવામાં આવ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લામાં ઉભા કરાયેલા વન કવચમાં લુપ્ત થતી આયુર્વેદિક વનસ્પતિના ૨૫૦ પ્રકારના છોડ ઉગાડવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં આવેલ હિલ સ્ટેશન માલસામોટ ના વિકાસ વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારા વચ્ચે હાઇવે બની રહ્યો છે જે માલસામોટ થી પસાર થાય છે ત્યારે પ્રવાસીઓને માલસામોટ માં સાપુતારા જેવો અહેસાસ થાય તે માટે માલસામોટનો પણ વિકાસ કરવામાં આવશે
કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખભાઈ વસાવા અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે.ચતુર્વેદી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા