
રાજપીપળા નગરપાલિકા દ્વારા માર્કેટ વિસ્તારમાં દબાણ દૂર કરી રોડ ખુલ્લો કરાવાયો
વેપારીઓ દ્વારા દુકાનની બહાર રોડ ઉપર દબાણ કરતા માર્કેટ રોડ ઉપરથી બાઈક લઈને જવું પણ મુશ્કેલ
બોક્ષ..
પાલિકા દ્વારા લારીઓ પાસેથી દરોજ પાસ આપી પૈસા લેવાતા હોવા છતાં લારીઓ હટાવતા રોષ
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપળામાં આવેલ સ્ટેશન રોડ વિસ્તાર અને શાક માર્કેટ રોડ એ રાજપીપળા ના મુખ્ય બજાર ગણાય છે અહીંયા નર્મદા જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં ભીડ જોવા મળે છે શાક માર્કેટ સહિતના વિસ્તારમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વેપારીઓ દ્વારા રોડ ઉપર કરાયેલા દબાણો અને લારીઓ હટાવીને પાલિકા દ્વારા મંગળવારે રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો રાજપીપળા પાલિકાના કર્મચારીઓ અને પોલીસે સાથે મળીને દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વેપારીઓ અને પોલીસ વચ્ચે ચકમક પણ જોવા મળી હતી ઉપરાંત રાજપીપળા નગરપાલિકા દ્વારા છૂટક લારી ગલ્લાવાળા પાસે દરરોજ પૈસા ઉઘરાવી પહોંચ આપવામાં આવતી હોય છે તે છતાં લારીઓ હટાવવામાં આવ્યા લારી ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ લગ્નસરાની ઘરાકી બજારમાં જોવા મળે છે એકાએક પાલિકા અને પોલીસની ટીમ માર્કેટમાં ઉતરી જતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો
વેપારીઓ દ્વારા પણ પોતાની હદમાં રહીને વેપાર કરવામાં આવે તો રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને પણ સવલત મળી શકે તેમ છે જેથી કરીને વેપારીઓ પણ તંત્રને સહયોગ આપે તેવી પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે
બોક્ષ
રાજપીપળા શહેરમાં અનેક જગ્યાઓ પર ગેરકાયદેસર કેબીનો નાના ગલ્લાઓ લારીઓ પથારા લગાવીને લોકોએ દબાણ કરેલું છે છતાં પણ દબાણ હટાવવાના નામે ફક્ત શાકમાર્કેટ રોડને જ રાજપીપળા નગરપાલિકા દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે






