NANDODNARMADA

નર્મદા જિલ્લાને મળી ભેટ : રૂ. ૧૭ કરોડના ખર્ચે નવનિર્માણ થનારી પોલીટેકનિક કોલેજનું ખાતમુહૂર્ત કરાયું

નર્મદા જિલ્લાને મળી ભેટ : રૂ. ૧૭ કરોડના ખર્ચે નવનિર્માણ થનારી પોલીટેકનિક કોલેજનું ખાતમુહૂર્ત કરાયું

કોલેજના નિર્માણથી ગ્રામજનો પોતાના બાળકોને અભ્યાસ પ્રત્યે સકારાત્મક વિચારોનું સિંચન કરીને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા પુરી પાડશે : સાંસદ મનસુખભાઈ વસાવા

આધુનિક સુવિધાથી સજ્જ સરકારી પોલીટેકનીક કોલેજ આદિવાસી બાળકોના ભવિષ્યના સર્વાંગી વિકાસ માટે સહાયક બનશે

રાજપીપલા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના વરદહસ્તે તથા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાની સરકારી પોલીટેક્નીક રાજપીપલા ટ્રાયબલ ડેવલોપમેન્ટ ગ્રાન્ટ હેઠળ વર્ષ ૨૦૧૩ થી કામચલાઉ ધોરણે શ્રી.કે.જે.પોલીટેકનીક ભરૂચ ખાતે કાર્યરત છે. સંસ્થા ખાતે ધો.૧૦ પાસ વિદ્યાર્થીઓ માટેના ડિપ્લોમાં એન્જિનિયરિંગના વિવિધ કોર્ષમાં કુલ ૫૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. હવે ભચરવાડા ખાતે પોલીટેકનીક કોલેજના વિવિધ ભવનોના અંદાજિત રૂ. ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર આ ભવનમાં કાર્યાલય વિભાગ, સિવિલ-ઇલેક્ટ્રિક-મીકેનીકલ એન્જિનિયરિંગ સહિત ઓડિટોરિયમ, વર્કશોપ, કેન્ટીન જેવી સુવિધાઓથી સજ્જ હશે. આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં દ્વિતીય વર્ષમાં પ્રવેશ મળશે. અભ્યાસ પૂર્ણ થયે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભચરવાડા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે તૈયાર થનારી કોલેજ અંગે જણાવ્યું કે, આ કોલેજ જિલ્લાના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. ગામમાં કોલેજના નિર્માણથી ગ્રામજનો પણ જાગૃત થઈને અભ્યાસ પ્રત્યે સકારાત્મક વિચારોનું સિંચન કરીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા પુરી પાડશે. તેમજ આસપાસના ગામોના વાતાવરણમાં પણ સકારાત્મક બદલાવ આવશે. જિલ્લાના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને જિલ્લા, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપીને પોતાની સાથે સમાજનુ નામ રોશન કરે તેવી અપેક્ષા સાંસદશ્રી વસાવાએ વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button