
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’ કાર્યક્રમ યોજાયો
એનિમિયાના દર્દીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સમયાંતરે તપાસ, સમતોલ આહાર અને યોગ્ય કાળજી અતિઆવશ્યક : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક
રાજપીપલા : જુનેદ ખત્રી
દેશના આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી સિકલસેલ એનિમિયા રોગને જડમૂળથી સમાપ્ત કરવાના ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મધ્યપ્રદેશ ખાતેથી રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન “નેશનલ સિકલ સેલ મિશન ૨૦૪૭” શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૧ રાજપીપલા ખાતે ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, સિકલસેલ એનિમિયાના વારસાગત રોગને અટકાવવા માટે પ્રિ મેડિકલ કાઉન્સલિંગ, સંપુર્ણ રસીકરણ, નિયમિત લેબોરેટરી તપાસ સહિત સમતોલ આહાર થકી દર્દી એક તંદુરસ્ત જીવન જીવી શકે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં સિકલસેલની સારવાર માટેની સ્ક્રિનિંગ થાય છે.
સિકલસેલના દર્દીઓની યોગ્ય કાળજી રાખીને સમયાંતરે યોગ્ય તપાસ-સારવાર કરવા અંગે સમજણ પુરી પાડતા ડો. માઢકે વધુમાં ઉમેર્યુ કે, નર્મદા જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ૨૮ પ્રા.આ.કે. અને તમામ ૧૭૪ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે આજથી ડિથિઓનાઈટ ટ્યુબ ટર્બિડિટી-ડીટીટી તપાસ વ્યવસ્થા, પોઝીટીવ આવેલ દર્દીઓ માટે HPLC સેમ્પલ કલેક્શનની વ્યવસ્થા તથા અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીક્લીનીક ખાતે સારવાર અને કાઉન્સેલિંગની નિ:શુલ્ક વ્યવસ્થા અંગે જરૂરી સમજ પુરી પાડી હતી.






