
નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસની જિલ્લાવાસીઓને અપીલ : જીવન અમૂલ્ય છે, “ઝડપથી” ના ગુમાવશો
નર્મદા જિલ્લામાં “માર્ગ સલામતી સપ્તાહ” ની ઉત્સાહભેર ઉજવણી
“ઓવરટેક માત્ર જમણી બાજુથી જ કરવું” ના સ્લોગન સાથે રાજપીપલા નગરમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
૩૩માં રાષ્ટ્ર્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વાહનચાલકોમાં જાગૃતિ આણવા રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાયેલા અનોખા અભિગમને નર્મદા જિલ્લામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અને પોલીસ અધિક્ષકની કચેરી-રાજપીપલા દ્વારા વાહનચાલકોને ફૂલ આપી, પોસ્ટરો દ્વારા, રેલીઓ તેમજ સેમિનારો દ્વારા ટ્રાફિકના નિયમોની સમજણ આપવામાં આવી રહી છે.
રોડ સેફટી અભિયાનના ચોથા દિવસે રાજપીપલા નગરમાં આજરોજ ટ્રાફિક-પોલીસના જવાનો દ્વારા “ઓવરટેક માત્ર જમણી બાજુથી” ના સ્લોગન સાથે બાઇક ચાલકો, ફોર વહીલર સહિત ઓટો રીક્ષા ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો અંગે સમજણ પુરી પાડી નિયમોનું પાલન કરી સમાજના એક જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અદા કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ઘણી વાર નિયમોથી અજાણ વાહનચાલકો ડાબી બાજુથી ઓવરટેક કરતા હોય છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. જે માટે આજરોજ ટ્રાફિક-પોલીસના જવાનોએ વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોથી જાગૃત કર્યા હતા.
વધુમાં ઉત્તરાયણના પવિત્ર પર્વમાં વાહન ચાલકોને પ્લે કાર્ડ અને પોસ્ટરો સાથે સુરક્ષા કવચ તાર લગાવી પોતાની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખવા પણ અપીલ કરાઈ હતી. વધુમાં સેમિનારો થકી પણ જિલ્લાવાસીઓને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરી નિયમોનું પાલન કરવા અંગે ટ્રાફિક પોલીસ અને પોલીસના જવાનો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
રાજપીપલા નગરમાં વાહન ચાલકોને ટ્રાફિક અંગે જાગૃત કરતા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ચૌહાણ અને રાજપીપલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.એમ.લટા દ્વારા નાગરિકોને ગુલાબનું ફૂલ આપી જણાવવામાં આવ્યું હતું કે, દેશનો પ્રત્યેક યુવાન ટ્રાફિકના નિયમોથી અવગત થાય અને પોતાની જવાબદારી સમજીને ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો દેશના કોઈપણ ભાગના ટ્રાફિક નિયંત્રણ પોલીસની જરૂરિયાત રહેતી નથી જો કે ટ્રાફિક પોલીસ કે જિલ્લા પોલીસ તંત્ર જિલ્લાના પ્રત્યેક નાગરિકની સુરક્ષા માટે કટિબદ્ધ છે.
ખરેખર જિલ્લામાં ચાલી રહેલ આ રોડ સેફટી અભિયાન થકી માર્ગ અકસ્માતોમાં નિયંત્રણ આવશે. જિલ્લામાં અકસ્માતના કેસોને નહિવત કરવા અત્યાર સુધી વાહનચાલકો, શાળા-કોલેજના બાળકો સહિત જિલ્લાના પ્રત્યેક નાગરિકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવી નિયમોનું પાલન કરવા રોડ સેફટી જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને નાગરિકો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.






