
નર્મદા સાહિત્ય સંગમ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાજપીપલામાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ
દીપક જગતાપ અને ડૉ. દીપક રાવલે માતૃભાષા ગૌરવ વિષય પર આપ્યું મનનીય પ્રવચન
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, નર્મદા સાહિત્ય સંગમ તથા એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે ૨૧ ફેબ્રુઆરીને મંગળવારના રોજ શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલા ખાતે “વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી” કરવામાં આવી હતી. આ સેમિનારમાં ગુજરાતી માતૃભાષા : જતન અને સંવર્ધન વિષય અને માતૃભાષા ગૌરવ ઉપર વક્તા તરીકે સાહિત્યકાર, વિજ્ઞાનલેખક અને વરિષ્ઠ પત્રકાર, દીપક જગતાપ તથા પ્રો. દીપક રાવલે મનનીય પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ અને સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને વરિષ્ઠ પત્રકાર દીપક જગતાપે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાંનો વિડીયો મેસેજ વિદ્યાર્થીઓને સાંભળાવ્યો હતો.અને માતૃભાષાનુ જતન કરવા અંગેની સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી.
વક્તા દીપક જગતાપે માતૃભાષાનુ મહત્વ, માતૃભાષાનો ઇતિહાસ અને માતૃભાષાનુ મહત્વ વધારતા દેશોની માહિતી રજુ કરતા જણાવ્યું હતું કે માની ભાષા અને પરિવારમાં બોલાતી ભાષાને માતૃભાષા ગણાવી હતી. જેનાં શબ્દો સાંભળવા આપણાં કાન તરસે અને જેનાં શબ્દો હૈયાને સ્પર્શે એ જ આપણી માતૃભાષા. દુનિયાની ૭૦૦૦ કરતાં પણ વધારે ભાષાઓમાંથી અડધોઅડધ લુપ્ત થવાના આરે છે. ભારતીય ભાષાઓની વ ૧૯૬ જેટલી ભાષાઓ-બોલીઓ મૃત:પ્રાય છે. ગુજરાતી ભાષા ૭૦૦ વર્ષથી પણ જૂની છે, અને ૬ કરોડથી પણ વધુ લોકો પોતાની બોલીમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરતા હોવાનું જણાવી માતૃભાષાનુ ગૌરવ કરવા પર ભાર મુક્યો હતો. જયારે પ્રો. દીપક રાવલે પણ મારી માતૃભાષા મારું ગૌરવ વિષય ઉપર મનનીય પ્રવચન કરી વિદ્યાર્થીઓની માતૃભાષાને પ્રેમ કરવા અનુરોધ કરી માતૃભાષામાં વાતચીત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા કવિ સંમેલનનુ સુંદર આયોજન કરાયું હતું. જેમાં સર્વ દીપક જગતાપ, ઘનશ્યામ કુબાવત, ભાવિકા પટેલ, હરિવદન પાઠક, નમીતાબેન મકવાણા, લાલસીંગભાઈ વસાવા, હીરાજભાઈ વસાવા અને દીપક જગતાપ એ સુંદર કાવ્યો રજુ કરીને શ્રોતાજનોને રસ તરબોળ કરી દીધા હતા. કવિ સંમેલનનુ સંચાલન દીપક જગતાપે કર્યું હતું.
આ પ્રસંગે મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં એ થીમ હેઠળ તમારા ઉપસ્થિતિ સાહિત્ય રસિકમિત્રોએ ગૌરવભેર માતૃભાષામાં હસ્તાક્ષર કરી માતૃભાષાનુ ગૌરવ વધાર્યું હતું. કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રા.ડૉ. હિતેશ ગાંધીએ કર્યું હતું. અને પ્રા.રવિભાઈ વસાવાએ આભારવિધિ કરી હતી.જેમાં સંયોજક તરીકે સાહિત્યકાર દર્શનાબેન વ્યાસની ભૂમિકા મહત્વની રહી હતી.






