
નર્મદા જિલ્લાની આંગણવાડીઓમાં બહેનોએ હાથમાં લગાવી “લોકશાહીના પર્વની મહેંદી”
રાજપીપલા : જુનેદ ખત્રી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે નર્મદા જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ ઠેર-ઠેર ચાલી રહી છે. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્ય લોકોને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે તેવી બહેનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આંગણવાડીની બહેનો પણ આ કાર્યક્રમમાં આગળ આવી છે. નર્મદા જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થી બહેનોએ પોતાના હાથ પર લોકશાહીની મહેંદી મૂકાવી તા. ૭મી મેના રોજ અચૂક મતદાન કરવાના શપથ લઈ અન્યોને પણ વોટ કરવા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ કર્યો હતો.
લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રકારની મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવા સૂનિશ્ચિત કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેની રાહબરીમાં વિવિધ તબક્કે આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે.
જિલ્લાની આંગણવાડીઓમાં પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલની આગેવાનીમાં ઠેર ઠેર આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોએ “મતદાન મારો અધિકાર”, “I Vote For Best India”, “મતદાન તારીખ ૭મી મે-૨૦૨૪”, “My vote my right”, “આવો મતદાન અવશ્ય કરીએ”, “દેશના વિકાસ માટે મતદાન”, “પરિવાર સાથે મતદાન કરીએ”, “ચાલો સાથે મળી મતદાન કરીએ”, “હું જરૂર મતદાન કરીશ અને કરાવીશ”, “મતદાન-૨૦૨૪”ના લોકશાહી પર્વને ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવીએ, લોકશાહી દેશનું ગૌરવ છે જેવા શૂત્રો થકી પોતાના હાથ પર લોકશાહીની મહેંદી મૂકાવી ગામના નાગરિકોને મતદાન માટે નાગરિકોને વિનમ્ર અપીલ કરી હતી.