
નર્મદા જિલ્લામાં “મારી માટી મરો દેશ” અંતર્ગત પાંચેય તાલુકાઓમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે
દરેક ગામમાં અમૃત સરોવર/જળાશયો પાસે ૭૫ કે તેથી વધુ છોડનું વાવેતર કરાશે, વીરોના બલીદાનને યાદ કરી શ્રંદ્રાજલી આપતી શીલાફલકમ મૂકવામા આવશે
પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધાવંદન, વીરોને વંદન અને ધ્વજવંદન કરવામાં આવશે
રાજપીપલા : જુનેદ ખત્રી
આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં મુખ્ય ૫(પાંચ) થીમ આધારિત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૦૯મી ઓગષ્ટથી આરંભ થશે, જે “માટીને નમન, વીરોને વંદન” થીમ પર યોજાશે. નર્મદા જિલ્લામાં યોજાનારા કાર્યક્રમના આનુસંધાને આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું કે, “મારી માટી- મારો દેશ” કાર્યક્રમ માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આ માટે નર્મદા જિલ્લાના તમામ ૫૫૨ ગામોમાં દરેક ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકામાં તા.૯ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ દરમ્યાન મુખ્યત્વે ૦૫ (પાંચ) થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ગ્રામ કક્ષાએ એકત્રિત થયેલી માટી તાલુકા કક્ષાએ કળશમાં પહોંચાડવામાં આવશે. તા. ૧૬ ઓગસ્ટથી ૨૦મી ઓગસ્ટ દરમિયાન તમામ તાલુકા મથકે કાર્યક્રમ યોજાશે. તા. ૨૭ ઓગસ્ટ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન માટી કળશ સાથે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાંથી પાંચ યુવાનો તેમજ નગર પાલિકામાંથી એક યુવાન મળીને કુલ છ યુવાનો કર્તવ્ય પથ નવી દિલ્હી સુઘી જશે અને આઝાદી કા અમૃત મોહત્સવ સ્મારક તેમજ અમૃતવાટીક બનાવીને માતૃભૂમીના નિર્માણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રંદ્રાજલી અર્પણ કરવાના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી બનશે જ્યાં તા. ૨૯ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમ્યાન કર્તવ્ય પથ દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
નર્મદા જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમમાં તમામ નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બને તેવી અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી. સાથે તમામ નાગરિકો પોતાની સેલ્ફી લઈ નિયત કરવામાં આવેલી વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/ ઉપર અપલોડ કરી વીરો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં પોતાની ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું.






