
નર્મદા જિલ્લાની આરોગ્યલક્ષી સુવિધાઓને સુદઢ બનાવવા માટે માર્ગદર્શન શિબિર યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં સ્માર્ટ રેફરલ સિસ્ટમ થકી આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ-સુવિધાઓ વધુ સુદઢ બનાવવાના આશય સાથે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતા અને પ્રેરક ઉપસ્થિતિમાં “સ્માર્ટ રેફરલ સિસ્ટમ – કોલ ટુ એક્શન” વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં સમૂહ ચિંતન, પ્રેઝન્ટેશન સહિત નિષ્ણાંતો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં આરોગ્ય વિભાગ સહિત ICDS, GMERS મેડિકલ કોલેજ તથા રાજપીપલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો-પ્રોફેસરો અને ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન, NGO, આંતરરાષ્ટ્રીય ડોનર્સ, આરોગ્ય સુપરવાઈઝર ગૃપ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેને જણાવ્યું કે, આ વર્કશોપનો ઉદ્દેશ્ય જિલ્લાના આરોગ્યલક્ષી વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવાનો છે. “કોમ્યુનિકેશન રિસ્પોન્સ” થકી વહેલી તકે દાખલ કરી દર્દીને યોગ્ય સારવાર આપી દર્દીને સુરક્ષિત કરવા તેમજ માતા-બાળકના મરણના દરને ઘટાડવા માટેનો આ પ્રયાસ છે. “સૌના સાથ, સૌના પ્રયાસ” થકી જિલ્લામાં સારામાં સારી આરોગ્ય સુવિધાઓ ઉભી કરવાનો અમારો સંકલ્પ છે.
આજે રાજ્યકક્ષાએ સ્માર્ટ રેફરલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય આશય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ સુધી અમલી કરવાનું છે. સિસ્ટમમાં દરેક હોસ્પિટલના માનવબળ જેવા કે મેડિકલ ઓફિસર, ગાયનોકોલોજિસ્ટ, પિડિયાટ્રિશિયન, ફિઝિશિયન વગેરે, લોહીની ઉપલબ્ધતા, દાખલ કરવામાં આવેલ માતા-બાળકની માહિતી અને જીપીએસ ટ્રેકિંગ થકી એમ્બ્યુલન્સની માહિતી નિભાવવામાં આવશે. વધુમાં એક ફેસિલિટીમાંથી અન્ય ફેસિલિટીમાં રીફર થતા દર્દીઓની સ્થિતિ અંગે મોબાઈલ (SMS) દ્વારા માહિતી મળશે જેના થકી માતા/બાળ રિફર સેવાઓનું લાઈવ મોનિટરીંગ થઈ શકશે.
બોક્ષ…
નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી પછાત જિલ્લો માનવામાં આવે છે જેથી કેન્દ્ર સરકારે આ જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરીને અહીંયા શિક્ષણ, આરોગ્ય રોજગાર સહિતની સુવિધાઓ વધુ સારી ઉપલબ્ધ કરાવવા સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે અધિકારીઓ ચૂંટાયેલ પ્રતિનિધિઓની હજારો બેઠકો મળી પરંતુ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનના અભાવે લોકોને ડભોઇ વડોદરા તેમજ ભરૂચ સુધી લાંબા થવાનો વારો આવે છે તો જ્યારે રાજપીપળા ખાતે સરકારી હોસ્પિટલમાં રાહત દરે ડિજિટલ સોનોગ્રાફી, આધુનિક સીટી સ્કેન, એમ આર આઇ સહિતની તકનિકી સુવિધાઓ ઉપલબ્ધ થાય ત્યારે સાચા અર્થમાં લોકોને સુખાકારી મળી એમ કહી શકાય તેવી લોક ચર્ચા ચાલી રહી છે






