
નર્મદા જિલ્લાના સાગબારાના ડાબકા ગામે તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર તાંત્રિકને ૧૦ વર્ષની કેદ
રાજપીપલા: જુનેદ ખત્રી
કેટલાક પાખંડી ધુતારા તાંત્રિકો વિધિ કરવાના નામે ગોરખ ધંધા કરતા હોય છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારાના ડાબકા ગામે તાંત્રિક વિધીના નામે દુષ્કર્મ ગુજારનાર તાંત્રીકને રાજપીપલા કોર્ટે ૧૦ વર્ષની કેદ અને ૫૦૦૦ રૂપિયા દંડની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. કેસની વિગત મુજબ ડેડીયાપાડાના એક ગામમાં પરિણીતા બીમાર રહેતી હતી.જેથી એનાં સસરા, કાકા સસરા પરિણીતાને સાગબારા નજીકના ડાબલા ગામે ભુવા ઉત્તરીયા કોટડીયા પાસે લઈ આવ્યા હતા.પરિણીત માનસિક બિમાર હોવાનું જણાવી ભુવો એને નજીકના ખાડી વિસ્તાર પાસે લઈ ગયો હતો અને સાથે આવેલા સસરા, દિયર તેમજ કાકા સસરાને જણાવ્યું હતું કે જ્યાં સુધી વિધિ ન પુરી થાય ત્યાં સુધી તમારે અહીંયા આવવું નહિ તમારે દુર ઉભુ રેહવાનું છે એમ કહી ભુવો ઉત્તરીયા કોટડીયા પરિણીતાને ખાડીના પાણીમા બેસાડી દીવો સળગાવી વિધી ચાલું કરી હતી ભુવો પરિણીતાનો ચોટલો પકડી મોઢું પાણીમા નાખી પુછી રહ્યો હતો કે તે કેટલાં માણસો, બકરા અને ઢોરો ખાધા છે.સાથે સાથે એ ભુવો તાંત્રિક વિધિના નામે પરિણીતા સાથે શારીરિક અડપલા પણ કરી રહ્યો હતો. બીજે દિવસે પરિણીતાની તબીયત ફરી બગડી હતી, એણે જણાવ્યું હતું કે ગુપ્તાંગના ભાગે દુખાવો થાય છે.જેથી સાસરિયાં પરિણીતાને એના પિયરમાં મુકી ગયા હતા. દરમીયાન પરિણીતાને સારવાર માટે ઉમરપાડા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત લઈ ગયા હતા. આ મામલે તાંત્રિક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ કેસ રાજપીપળાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વંદના ભટ્ટની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે તાંત્રીકને ૧૦ વર્ષની કેદ અને ૫૦૦૦ રૂપિયા દંડની સજા ફટકારી છે.