NARMADA

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ ૭૦ ટકા ભરાયો : જળ સપાટી ૧૨૯.૨૧ મીટરે નોંધાઈ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ ૭૦ ટકા ભરાયો : જળ સપાટી ૧૨૯.૨૧ મીટરે નોંધાઈ

ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં સરેરાશ આશરે ૫૬૩૨૯ ક્યુસેક પાણીના જથ્થાની આવક સામે અંદાજે ૨૫૯૩૫ ક્યૂસેક પાણીની જાવક

નર્મદા ડેમમાં પાણીના ઇન્ફ્લો અને નર્મદા નદીમાં પાણીના આઉટફ્લોની પરિસ્થિતિને અનુલક્ષીને ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા ગામોને સાવચેતીના પગલારૂપે સાવધ કરાયાં

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૭ મી જુલાઈ, ૨૦૨૩ને ગુરૂવારના રોજની સ્થિતિએ ૧૨૯.૨૧ મીટરે નોંધાયેલી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૫૬૩૨૯થી વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.

તદ્અનુસાર ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે આજે તા.૨૭મી જુલાઈની સ્થિતિએ નર્મદા ડેમમાં ૬૭૪૧.૧૬ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ ૭૦ ટકા ભરાયેલો છે. ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી ૫૬૩૨૯ ક્યૂસેક પાણીના ઈનફ્લો સામે ૨૫૯૩૫ ક્યૂસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યોછે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને સાબદુ કર્યું છે. તેમજ જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારઓ, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને વોર્નિંગ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે વોર્નિંગ મેસેજથી સાવચેત કરવામાં આવ્યાં છે. તેમજ જરૂર જણાયે સ્થળાંતર પ્લાન અધ્યતન રાખવા પણ જણાવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button