AHAVADANGGUJARAT

ડાંગ: વઘઇના ગીરાધોધ સહિત બોટાનિકલ ગાર્ડનની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રીમુળુભાઇ બેરા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
તાજેતરમાં ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા રાજ્યના વન પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, પ્રવાસન અને સાંસ્ક્રુતિક વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ દક્ષિણ ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્રના ગીરાધોધ તથા બોટાનિકલ ગાર્ડન જેવા પર્યટન સ્થળની મુલાકાત લીધી હતી.
વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીના પ્રાકૃતિક પર્યટન સ્થળો સોળે કળાએ ખીલી ઊઠે છે, ત્યારે આ સ્થળે આવતા પ્રકૃતિ પ્રેમી પર્યટનોને પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય, અને પ્રવાસનના માધ્યમથી સ્થાનિક રોજગારીનું સર્જન કરી શકાય તેવા રાજ્ય સરકારના પ્રયાસોની ફળશ્રુતિ મંત્રીશ્રીએ નિહાળી હતી.

વઘઇના ગીરાધોધ ખાતે વન વિભાગ દ્વારા પૂરી પડાયેલી સુવિધાઓ સાથે સ્થાનિક વન પરિસરીય મંડળીના માધ્યમથી સ્વરોજગારી પૂરી પાડવાના પ્રયાસોની સરાહના કરતા મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ, અહીના સોવેનિયર શોપની વિગતો મેળવી હતી.

ગિરાધોધ બાદ મંત્રીશ્રીનો કાફલો ગુજરાતનાં એકમાત્ર બોટાનિકલ ગાર્ડનની મુલાકાતે ગયો હતો. અંહી બામ્બુની જુદી જુદી પ્રોડક્ટ અને તેના વેચાણની વ્યવસ્થા નિહાળી, મંત્રીશ્રી બેરાએ સ્થાનિક ભગત મંડળીના વૈધરાજો સાથે પણ મુલાકાત કરી હતી.

ડાંગની પરંપરાગત વૈધકિય પરંપરાની જાણકારી મેળવી મંત્રીશ્રીએ વૈધરાજોના વનૌષધિઓ અંગેના જ્ઞાનનો વારસો ભાવિપેઢીને આપવા માટે અપીલ કરી હતી.

મંત્રીશ્રીના હસ્તે બોટાનિકલ ગાર્ડન પરિસરમાં પર્યટકો માટે શરૂ કરાયેલી ‘બાઈસિકલ રાઈડ’ ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવાયું હતું.

મંત્રી શ્રી મુળુભાઇ બેરાની આ મુલાકાત વેળા તેમની સાથે ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત સહિતના હોદ્દેદારો, કાર્યકરો, વન પરિસરીય મંડળીના સભાસદો, વલસાડ વન વર્તુળનાં વન સંરક્ષક શ્રી મનિશ્વર રાજા, નાયબ વન સંરક્ષકો સર્વ શ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, ACF સુશ્રી આરતી ભાભોર, બોટાનિકલ ગાર્ડનના અધિક્ષક શ્રી નિલેષ પંડ્યા સહિત વન અધિકારીઓ, કર્મચારીઓ, અને ફોરેસ્ટ ફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button