GARUDESHWARNANDODNARMADA

પરિવાર સાથેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર રહી.

વાત્સલ્યમ સમાચાર
એકતાનગર
અનીશ ખાન બલુચી

સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રીમાન અભય ઓકની પરિવાર સાથેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર રહી
——–
સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાનું નિર્માણ અદભૂત, અવિશ્વસનિય, અકલ્પનીય :સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રીમાન અભય ઓક
——–
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર સાહેબના પ્રાસંગિક-ઐતિહાસિક જીવન-કવન અંગેની માહિતીથી વાકેફ થતા શ્રીમાન અભય ઓક
——–
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ શ્રીમાન અભય ઓકની પોતાના પરિવાર સાથેની સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતેની અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના અદભૂત દર્શન સહિત તમામ પ્રોજેક્ટસની મુલાકાત યાદગાર સાબિત થઈ હતી.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પરિવાર સાથે પ્રવાસે આવેલા શ્રીમાન ઓકે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના દર્શન કરીને ધન્યતાનો ભાવ અનુભવ્યો હતો. સાથોસાથ પરિવારને પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાએ મોહી લીધા હતા. શ્રીમાન ઓકની આ ખાસ મુલાકાત વેળાએ ગાઈડમિત્રશ્રી મયુરસિંહ રાવલ જોડાયા હતા.

સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીએ પરિસરમાં સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરી પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા. ત્યારબાદ સરદાર સાહેબના પ્રતિમાના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપૂડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ન્યાયમૂર્તિશ્રી સહિત સંપૂર્ણ પરિવારે ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેઓશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા ક્રુઝની સફર થકી અદભુત નજારો માણ્યો હતો.

શ્રીમાન ઓકે વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતા આરોગ્ય વનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓશ્રીએ ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટિયા ગાર્ડનની મુલાકાત લઈ અભિભૂત થયા હતા. વધુમાં શ્રીમાન ઓકે પરિવાર સહિત સરદાર સરોવર ડેમની મુલાકાત લઈને ડેમની તકનિકી માહિતી અને ડેમ થકી થઈ રહેલા લાભો વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલ શ્રીમાન ઓકે નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા જણાવ્યું કે, મારા પરિવાર સાથેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત ખુબ યાદગાર રહી છે. એકતાના પ્રતિક એેવા સરદાર વલ્લભભાઈ પટેલની આ વિશાળ પ્રતિમા દેશના વિકાસ માટે ભાવિ પેઢીને એકસૂત્રમાં જોડી રાખશે. વધુમાં શ્રી ઓકે સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના નિર્માણને અદભૂત, અવિશ્વસનિય અને અકલ્પનીય ગણાવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા શ્રીમાન ઓકને ઓથોરિટી તરફથી અધિક કલેકટર શ્રી ધવલ જાની દ્વારા સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન લાયઝન અધિકારીશ્રી તરીકે વિનોદભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.

 

[wptube id="1252022"]
Back to top button