
તા.૨૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૨૯ જાન્યુઆરીએ લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના સુચારૂ આયોજન અંગે
મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૨૯ જાન્યુઆરીને રવિવારના રોજ વર્ગ – ૩ જુનિયર કલાર્કની પરીક્ષા યોજાનાર છે. જેનાં સુચારૂ આયોજન અર્થે મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વીડિયો કોન્ફરન્સમાં રાજકોટથી જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબિયા જોડાયા હતા.
રાજકોટમાં આ પરીક્ષા ૧૫૧ કેન્દ્રો પર લેવાનાર છે. જેના માટે ૪૩,૨૫૮ ઉમેદવારો નોંધાયા છે. જેનો સમય સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦ સુધીનો રહેશે. આ બેઠકમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સુચારૂ વ્યવવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા પંકજકુમારે કરી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી., એસ.ટી. બસની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વિજળીની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, આર.ટી.ઓ., પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. સ્ટ્રોંગ રૂમમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. પરીક્ષાના આગલા દિવસે માઇક્રો ઓબઝર્વરને રૂબરૂ સ્થળ મુલાકાત લઈ આનુષાંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરશે તેમ ઉમેર્યું હતું. પરીક્ષા માટેના સંવેદનશીલ કેન્દ્રો પર વધુ ધ્યાન આપીને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓની સૂચના આપી હતી. આ સિવાય જિલ્લાના પ્રાંત અધિકારીઓ પણ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે વિવિધ પરીક્ષા કેન્દ્રોની નિગરાની રાખે તે પ્રકારની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
અધિક પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે. પરીક્ષા અંગેની કોઇ મુશ્કેલી કે ફરીયાદ હોય તો જિલ્લા પરીક્ષા કંન્ટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે. પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી, સતત પેટ્રોલિંગ કરી પરીક્ષા દરમ્યાન કોઈ વિક્ષેપ ન આવે તે માટે અગાઉથી સઘન સર્વેલન્સ રાખવા પર ભાર મૂક્યો હતો. પરીક્ષાના સરળ સંચાલન માટે સ્ટાફને પણ પરીક્ષા કેન્દ્ર અને તેનાં પરિસરમાં મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પ્રવેશી શકશે નહીં તેમ જણાવ્યું હતું.
આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી.ઠકકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.