BANASKANTHAPALANPUR

યાત્રાધામ અંબાજી ખાતે પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાની બેઠક યોજાઈ

મેળા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલ ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓની સમીક્ષા કરાઈ

(માહિતી બ્યુરો પાલનપુર)

બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. મેળા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા માટે અંબાજી ખાતે પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલે પ્રેઝન્ટેશન દ્વારા મેળામાં યાત્રાળુઓ માટે કરાયેલ વ્યવસ્થા અને તૈયારીઓની માહિતી આપી હતી.

આ બેઠકમાં પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે તંત્ર ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. તેઓએ દરેક વિભાગને  કરવાની થતી વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જેમાં શ્રધ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિગ, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં  દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોની પ્રવાસન સચિવશ્રીએ વિગતવાર ચર્ચા કરીને સુંદર કમગીરી થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષકશ્રી તેજસ પટેલ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, નાયબ વન સંરક્ષકશ્રી પી. જે. ચૌધરી સહિત વિવિધ સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button