
રાજપીપલા જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે ૨૭૨૮ જેટલા સુરક્ષા જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ
શ્રી એમ.આર.વિદ્યાલય ખાતે પ્રથમ દિવસે ૫૫૭ આસિસટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી
જુનેદ ખત્રી : રાજપીપલા
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી મતદાન માટે ૧૪૮ નાંદોદ વિધાનસભા વિસ્તાર માટેનું ફેસિલિટેશન સેન્ટર જીતનગર પોલીસ હેડક્વાટર તેમજ શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપલા નક્કી કરવામાં આવ્યું હતું.
આજે મંગળવારના રોજ શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપલા ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં કુલ ૫૫૭ આસિસટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી જીતનગર પોલીસ હેડક્વાટર ખાટે પોલીસ, એસઆરપીએફ, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ અને ટીઆરબીના અધિકારી-કર્મચારીઓ મળી કુલ ૨૭૨૮ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતુ.
નર્મદા જિલ્લામાં આગામી તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સફળતા પૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું