
ધારાસભ્ય ચૈતર વસાવાની અનોખી પહેલ,”લગ્નમાં ભેટમાં આપ્યું બંધારણનું પુસ્તક”
લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે , યુવાનો વ્યસન છોડી સામાન્ય પ્રવાહમાં પાછા ફરે એ હેતુથી બંધારણનું પુસ્તક ભેટમાં આપ્યું : ચૈતર વસાવા
રાજપીપળા: જુનેદ ખત્રી
આમ તો નેતાઓ પોતાની મોટાઈ બતાવવા માટે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ મોટો સામાજીક કાર્યક્રમ હોય ભેટમાં હંમેશા મોંઘી દાત ગિફ્ટ અને રૂપિયા ભરેલ કવર આપતા હોય છે.પરંતુ ગરીબ પરિવારમાં જન્મેલા ધારાસભ્યના પદ સુધી પહોંચેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વિસ્તારમા લગ્ન પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોમાં રહેલી કાયદાકીય અજ્ઞાનતા દુર કરવાની પહેલ કરી છે.
ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ધારાસભ્ય ચૈતર વસાવા આવી પહોંચ્યા હતા.એ દરમિયાન એમણે વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક આપી લોકોનાં દિલ જીતી લીધા હતાં.આ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજના યુવાનો મોબાઇલ, ડાન્સ પાર્ટી અને વ્યસનોમાં સમય બરબાદ કરે છે, કાયદાકીય અજ્ઞાનતાને લીધે તેઓ આગળ વધી શકતા નથી અને સાથે સાથે પોતાના કુટુંબથી પણ દુર થતા જાય છે, આડા રસ્તે જતાં રહે છે.બંધારણનું પુસ્તક વાંચવાથી યુવાનોમાં કાયદાકીય જ્ઞાન વધશે જેથી તેઓ પોતે તો આગળ વધશે પણ સાથે સાથે પોતાના પરિવારનું નામ રોશન કરશે અને કાયદો વ્યવસ્થા શું છે તથા સરકારની અને નાગરિકની ફરજો શું છે એનાથી પણ માહિતગાર થશે.આવુ દરેક લોકો સમજી સામાજીક પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપશે તો એક દિવસ એવો આવશે કે યુવાનો બંધારણનું મહત્વ સમજશે અને કાયદાથી અજાણ નહિ રહે.






