
નર્મદા જિલ્લા કલેક્ટરે પોતાના બાળકોનું પોલીયો રસીકરણ કરાવી જિલ્લાના નાગરિકોને પણ રસીકરણ કરાવવા અપીલ કરી
“સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે” અંતર્ગત સઘન પલ્સ પોલીયો ઝુંબેશમાં ગામે ગામ આરોગ્ય વિભાગ અને આંગણવાડી વર્કરની ટીમોએ કામગીરી હાથ ધરી
જુનેદ ખત્રી : રાજપીપલા
રાજ્યભરમાં પોલીયોને નેસ્તનાબૂદ કરવા માટે “સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે” અંતર્ગત પોલીયો વેકસીનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું સમગ્ર નર્મદા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ ૦થી ૫ વર્ષના ભુલકાંઓને વિનામૂલ્યે રસી પીવડાવીને પોલીયોના રોગથી સુરક્ષિત કર્યા હતા. આ તબક્કે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ પોતાના બાળકોનું પોલીય રસીકરણ કરાવી જિલ્લાના નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને પોતાના બાળકોનું રસીકરણ કરાવે તેવી આપીલ કરી હતી.

નર્મદા જિલ્લાના તાલુકા સ્તરે ૧૭૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો, બસ સ્ટેશનો, વિકસિત ભારત યાત્રાના કાર્યક્રમ સ્થળે બુથનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ૨૩૪ પોલીયો બુથ પર જિલ્લાના અંદાજીત ૧.૩૦ લાખ ઘર અને ૪૭,૩૦૧ જેટલા બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ૨૯ મોબાઈલ અને ટ્રાન્ઝીટ ટીમ, ૪૮ જેટલી ટીમ સુપરવાઇઝરો અભિયાનમાં જોડાયા છે. જેમાં બુથ રસીકરણ, ઘર ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ અને મોબાઈલ ટીમ દ્વારા વર્ષ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીકરણમાં આવરી લેવાશે. રવિવારના રોજ બુથ ઉપરથી બાળકોને પોલીયો અભિયાનમાં સમાવી લેવામાં આવશે. ત્યારબાદ બાકી રહી ગયેલા બાળકોનું ડોર-ટુ-ડોર સર્વેના માધ્યમથી રસીકરણ કરવામાં આવનાર છે.
હાલમાં નર્મદા જિલ્લામાં ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. ત્યારે રવિવારના રોજ જે ગામોમાં યાત્રા પહોંચવાની છે ત્યાં કાર્યક્રમ સ્થળે પણ આરોગ્ય વિભાગ દ્વારા પોલીયો અભિયાન અંતર્ગત ખાસ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કાર્યક્રમ સ્થળે હાજરી આપવા આવેલા નાગરિકો પોતાના બાળકોને પોલીયો રસીકરણ કરાવી શકે તેમજ લોક જાગૃતિનો સંદેશો પણ ફેલાવી શકાય






